નવી મુંબઈમાં 2024માં ડ્રગ્સ સંબંધી 654 ગુના નોંધાયા: 33.27 કરોડનો ડ્રગ્સ જપ્ત
થાણે: નવી મુંબઈમાં ડ્રગ્સ સંબંધી ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો હોઇ 2024માં 654 જેટલા કેસ નોંધાયા હતા. ગયા વર્ષે આ આંકડો 475 હતો. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 179 કેસ વધ્યા છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
નવી મુંબઈ પોલીસના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 654 કેસમાં 33.27 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું, જ્યારે ગયા વર્ષે 22.97 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ વર્ષે 939 તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગયા વર્ષે 811 તસ્કરોની ધરપકડ કરાઇ હતી. તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ડ્રગ્સ તસ્કરોમાં 58 વિદેશી નાગરિકોનો સમાવેશ છે. મુખ્યત્વે તેમાં આફ્રિકનો છે. ગયા વર્ષે 37 વિદેશી નાગરિકો પકડાયા હતા. આ વર્ષે વિદેશી નાગરિકો પાસેથી 25.70 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જે આંકડો ગયા વર્ષે 11.61 કરોડ રૂપિયા હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં કોકેઇન સૌથી વધુ જપ્ત કરાયું હતું, જેની કિંમત 16.70 કરોડ રૂપિયા છે, જ્યારે 2023માં 1.25 કરોડ રૂપિયાનું કોકેઇન પકડાયું હતું. પોલીસે 12.67 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ પકડ્યું છે, જ્યારે ગયા વર્ષે 9.33 કરોડ રૂપિયાનું મેફેડ્રોન પકડાયું હતું. બીજી તરફ એમડીએમએ ડ્રગ્સની જપ્તિ 2023માં 22.10 લાખ રૂપિયા પરથી આ વર્ષે 29.98 લાખ સુધી પહોંચી છે.
Also read: ED એકશનમાં, 7600 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી -મુંબઇમાં અનેક સ્થળોએ દરોડા
ગાંજા અને બ્રાઉન શુગર પણ મોટા પાયે જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત અનુક્રમે 67.83 લાખ અને 30.10 લાખ રૂપિયા હતી, જ્યારે ગયા વર્ષે આ આંકડો અનુક્રમે 8.46 લાખ અને 1.78 લાખ રૂપિયા હતો. દરમિયાન એલએસડી બ્લોટ 33.55 લાખ રૂપિયાના પકડાયા હતા, જે ગયા વર્ષે 19.80 લાખના જપ્ત કરાયા હતા. 2024માં 67.81 લાખ રૂપિયાનું ચરસ અને 55,000નું મિથાડોન પકડાયું હતું. 2023માં આ બંને ડ્રગ્સની જપ્તિ નહોતી થઇ. મેથાક્યુલોન અને ટ્રામાડોલ જેવા પદાર્થો અનુક્રમે 5.96 કરોડ રૂપિયા અને 3.64 કરોડ રૂપિયાની કિંમતના હતા, જ્યારે ગયા વર્ષે આ પદાર્થ પકડાયા નહોતા. આ જ રીતે 2024માં હેરોઇન પકડાયું નહોતું, પરંતુ ગયા વર્ષે 33,160 રૂપિયાનું હેરોઇન પકડાયું હતું. (પીટીઆઇ)