પ્રાર્થના કરોઃ 75 કલાકથી રાજસ્થાનની આ બાળકી બોરવેલમાં ફસાયેલી છે અને…
કોટાપૂતલીઃ તમે ઈશ્વર કે કોઈ દૈવીય શક્તિમાં માનતા હો કે ન માનતા હો, પરંતુ અમુક પરિસ્થિતિઓમાં જ્યારે રસ્તો ન મળે ત્યારે દુઆઓ ચોક્કસ કામ આવતી હોય છે, તેમ અનુભવો કહેતા હોય છે. આવી જ પ્રાર્થનાની જરૂરત રાજસ્થાનના કોટપૂતલીના કિરતપુરા ગામની એક નાનમકડી માસૂમ બાળકીને છે જે 75 કલાકથી બોરવેલમાં જીવનનો જંગ લડી રહી છે. જોગાનુજોગ આ બાળકીનું નામ ચેતના છે અને તેની ચેતના જળવાઈ રહે તે માટે પ્રશાસન સતત કામે લાગ્યું છે.
ચેતનાને બચાવવા માટે NDRF અને SDRFની ટીમ કામે લાગી છે. તેઓ પ્લાન એ, પ્લાન બી બધુ જ અજમાવી રહ્યા છે.
આ પણ વાંચો: ફરી રાજસ્થાનમાં બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી ફસાઈ: બચાવ કામગીરી ચાલુ…
આજે રાત સુધીમાં ચેતના બહાર આવશે ?
રાહત અને બચાવ ટીમો 3 વર્ષની બાળકી ચેતના સુધી પહોંચવા માટે રોકાયેલા છે. પાઈલિંગ મશીનની મદદથી રેસ્ક્યુ ટીમ બોરવેલની નજીક એક હોલ બનાવીને તેમાં લોખંડની મોટી પાઈપ નાંખી રહી છે. પાઈલિંગ મશીન વડે બોરિંગ થતાં જ રૈટ માઈનિંગ ટનલ બનાવીને ચેતના સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. ગુરુવારે સવાર સુધી ટીમે પાઈલિંગ મશીન વડે 160 ફૂટ સુધી ખોદકામ કર્યું છે. હવે માત્ર 10 ફૂટનું ખોદકામ બાકી છે.
કોટપુટલીમાં 170 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી ચેતના અંગે જિલ્લા કલેક્ટર કલ્પના અગ્રવાલે જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે બાળકીને વહેલી તકે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવે. બચાવ માટે, ઘણા ઇલેક્ટ્રિક થાંભલાઓ સ્થળ પરથી દૂર કરવા પડ્યા હતા અને રસ્તાઓ બનાવવા પડ્યા હતા. ચેતનાના પરિવારજનો અને ગ્રામજનોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે રોષ છે.
75 કલાક બાદ પણ હજુ સુધી બાળકી બહાર આવી ન હોવાથી પરિવારજનો અકળાયા છે. આટલા સમય બાદ બાળકી ત્યારે પણ બહાર આવશે ત્યારે તેનાં સ્વાસ્થ્યની સ્થિતિ પણ ચકાસવી પડશે. આથી ચેતના હેમખેમ પાછી ફરે અને પરિવારને તેની વ્હાલસોયી મળે તે પ્રાર્થના આપણે સૌએ કરવી જોઈએ.
આ સાથે વારંવાર આવા બનાવો બને છે ત્યારે ખુલ્લી બોરવેલ, ગટરો છોડનારા તમામ સંબંધિત અધિકારીઓ પર કઠોર કાર્યવાહી કરવામાં આવે, તેવી માગણી પણ રાજ્ય સરકારો પાસેથી કરવાની આપણી ફરજ છે.