મુંજો કચ્છડો બારેમાસઃ ધોરડોથી લઈને ધોળાવીરામાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો
અમદાવાદ: બારે મહિના મીઠું લાગતું કચ્છ અને કચ્છની મીઠી બોલી દુનિયામાં જાણીતી છે, ત્યારે હાલમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે માગશર મહિનાની કડકડતી ઠંડીમાં ભારતીયોની સાથે વિદેશી પ્રવાસીઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. ધોરડોથી લઈ છેક ધોળાવીરા સુધી જાણે લોકમેળો જામ્યો હોય હકડેઠઠ લોકો જોવા મળે છે. સફેદ રણ અને રણોત્સવને લીધે દેશ-દુનિયા સુધી ખ્યાત બનેલું કચ્છનું ધોરડો પ્રવાસનનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. ગામને તાજેતરમાં હેરિટેજ વિલેજનો દરજ્જો પણ મળ્યો હતો. તાજેતરમાં જ ઠંડીની સાથોસાથ પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ શિયાળાની ઋતુ અને ક્રિસમસ, ન્યૂ યરની ઉજવણી માટે સફેદ રણની ચાંદની જેવા ઉજાસને જોવા-જાણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી આવ્યા છે.
રણની સુંદરતાએ મોહી લીધા
કચ્છના સફેદ રણને જોવા માટે વિશ્વ આખાથી પ્રવાસીઓ આવે છે, પરંતુ શિયાળાની ઋતુમાં અફાટ જમીન પર પથરાયેલા મીઠાનાં રણની સુંદરતાને જોવા અને માણવાની મજા કઈક જુદી જ છે. આ વર્ષે રણોત્સવનો પ્રારંભ 11મી નવેમ્બરે થયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 15 ડિસેમ્બરનાં રોજ કચ્છના ધોરડોમાં બનેલા ટેન્ટ સિટી પહોંચ્યા હતા, તેમજ સફેદ રણની પણ મુલાકાત કરી હતી. કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન વંદે ભારત મેટ્રોની ભેટ આપી હતી.
Also read: કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વ્હારે ગુજરાત વન વિભાગ
ધોરડો છે શ્રેષ્ઠ પ્રવાસન ગામ
ગત વર્ષે જ યુનેસ્કો દ્વારા કચ્છના ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે સમાવેશ કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. કચ્છના અનોખા સફેદ રણની મજા માણવા માટે દર વર્ષે પ્રવાસીઓ ધોરડો પહોંચે છે. આ માટે ત્યાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. કચ્છ રણોત્સવ 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. ટેન્ટ સીટીમાં કચ્છની સંસ્કૃતિ સાથે સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. પૂર્ણ ચંદ્રમાં સફેદ રણ જોવાનો અનુભવ એકદમ અનોખો છે. આ સાથે રણની અંદર સનરાઇઝ અને સનસેટનો નઝારો પણ પ્રવાસીઓ ખાસ માણે છે.
ધોળાવીરામાં ટેન્ટસિટી
ભારતનાં પ્રાચીન વારસા સમાન સિંધુ ખીણની સભ્યતાનાં સ્થળો કચ્છમાં છે. વિશ્વની સૌથી જૂની નગરીય સંસ્કૃતિ ધરાવતાં ધોળાવીરામાં આ દિવાળીથી પ્રવાસીઓને રહેવાની સુવિધા આપવામાં આવી છે. કચ્છમાં રણોત્સવ અંતર્ગત જ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં શામેલ ધોળાવીરામાં હડપ્પન થીમ પર બોલીવુડ સેટ સાથેનું ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. યુનેસ્કોએ જુલાઈ 2021માં કચ્છ જિલ્લામાં હડપ્પા સભ્યતાના સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કર્યું હતું.