અજમેરમાં પાલિકા એક્શનમાંઃ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ નજીક ગેરકાયદે અતિક્રમણો પર કાર્યવાહી
અજમેરઃ રાજસ્થાનના અજમેરમાં (Ajmer) ખ્વાજા ગરીબ નવાઝની (Khwaja Garib Nawaz) દરગાહ હાલ ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે દરગાહ નજીકનાં વિસ્તારમાં નગરપાલિકાએ ગેરકાયદે અતિક્રમણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં ખ્વાજા ગરીબ નવાઝનાં 813મા ઉર્ષ પહેલા દરગાહ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું છે. આજે સવારે અજમેર કોર્પોરેશનની ટીમે દરગાહ પોલીસ સ્ટેશન સાથે મળીને દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી.
પોલીસનાં કાફલા સાથે કાર્યવાહી.
આ પણ વાંચો: અજમેર દરગાહ વિવાદ પર પૂર્વ અધિકારીઓનો PMને પત્ર; કહ્યું “વારસા પર હુમલો….
મહાનગરપાલિકાએ ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્ષની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત આજે દરગાહ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરગાહ પોલીસ સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સાથે મળીને અંદરકોટ, ઢાઈ દિન કા ઝોપરા અને દિલ્હી ગેટ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણ હટાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: સંભલ પછી અજમેર, વર્શિપ એક્ટ કેમ નાબૂદ ના કરાયો?
સ્થાનિકો અને દુકાનદારોનો વિરોધ
આ કાર્યવાહી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘સાર્વજનિક સ્થળો પર દબાણને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.’ તેથી આ કાર્યવાહી જરૂરી હતી. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કેટલાક દુકાનદારો અને સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો. કેટલીક જગ્યાએ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, પોલીસે તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
ઉર્ષને અનુલક્ષીને કાયર્વાહી
આ અંગે કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉર્ષને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી આવે છે. તેથી યાત્રિકોની સુવિધા અને તેમની અવરજવરને સરળ બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી દરગાહ વિસ્તારની સ્વચ્છતા અને વ્યવસ્થામાં સુધારો થશે. આવનારા યાત્રિકોને સારી સુવિધા મળી શકશે