પુરુષલાડકી

એ વહાલનો દરિયો તોફાને ચડ્યો !

75 વર્ષના કુસુમબહેન મળી ગયાં એક વૃદ્ધાશ્રમમાં. અમે તો બેસી ગયાં એની બાજુમાં બાંકડા ઉપર અને પૂછ્યું, કેમ છો?
ઠીક છું, બહેન કયારથી અહીં રહો છો?’
બે વર્ષ થયા...' આપને કેટલા સંતાન?’
એક દીકરી છે.' અહીં રહેવાનું શું કારણ?’ પ્રશ્નનો જવાબ આપતા કુસુમબહેનની આંખમાં આંસુ આવી ગયાં. આંખમાં આવેલા આંસુ લૂંછતા કુસુમબહેન બોલ્યાં:

`બેન, શું વાત કરું? આપણે બધાં દીકરાને કોસતા હોઇએ છે કે દીકરા મા-બાપને સાચવતા નથી. વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. મા-બાપને સતાવે છે, પણ મારી સાથે તો આપણે જેને વહાલનો દરિયો કહીએ છીએ તે દીકરીએ વિશ્વાસઘાત કર્યો છે.
માંડીને વાત કરું તો મારે એકની એક દીકરી સ્મિતા. મારા પતિ ગુજરી ગયા ત્યારે સ્મિતા સોળ વર્ષની હતી. એને ઓથે મેં નવેસરથી જીવન શરૂ કર્યું. પૈસાની કંઇ તકલીફ ન હતી. મારા પતિએ બધી એવી સરસ વ્યવસ્થા કરી હતી કે અમારું મા-દીકરીનું જીવન સરળતાથી ચાલી રહ્યું હતું.

સ્મિતા ભણતી હતી. હું ઘર સંભાળતી હતી. સાંજના સમયે દેવદર્શને જાઉં. સ્મિતા ભણીને પ્રોફેસર બની. કૉલેજમાં ભણાવવા જતી હતી ત્યાં તેની જ કૉલેજના પ્રોફસેર સાથે એનું દિલ મળી ગયું. એ પ્રોફેસર અમારા ઘેર આવતો- જતો થયો. સ્મિતા એની ઓળખ પોતાના મિત્ર તરીકે આપતી હતી.

એક દિવસ સ્મિતાએ મને કહ્યું, મમ્મી, આ સંદીપ મને ગમે છે. અને સંદીપ પણ મને પસંદ કરે છે. અમે બંનેએ જીવનસાથી બનવાનું નક્કી કર્યું છે, તું જો હા પાડે તો. સંદીપ સારો યુવક હતો અને બંને એક-મેકને પસંદ કરતા હતા એટલે ના પાડવાનું કોઇ કારણ ન હતું. સંદીપના પરિવારમાં પણ કોઇને વાંધો ન હતો. તેથી મેં સ્મિતાને રંગેચંગે પરણાવી દીધી. સ્મિતાના લગ્ન માટે એના પિતાએ ફિક્સ ડિપોઝિટ કરેલી જ હતી તેથી ધામધૂમથી લગ્ન કર્યાં. સ્મિતા સાસરે ગઇ. હું એકલી પડી, પણ જૂનો પાડોશ હતો. તેથી સૌ મારું ધ્યાન રાખતા હતા અને સમય સારી રીતે વીતતો હતો.

રજાના દિવસે સ્મિતા-સંદીપ આવતા. હું એમને ભાવતા ભોજન કરીને જમાડતી. એ લોકો આવતા તે મને પણ ગમતું. આમ સરસ જિંદગી હતી. એમાં વળી એક ગુડ ન્યૂઝ મળ્યા. સ્મિતા મા બનવાની હતી. મારી તો ખુશીનો પાર ન હતો. હું નાની બનવાની હતી. સ્મિતાને થોડો વખત મારે ત્યાં રહેવા બોલાવી લીધી, જેથી એનું બરાબર ધ્યાન રાખી શકું. નવ મહિને સ્મિતાએ દીકરીને જન્મ આપ્યો. હું એને સુવાવડ કરવા મારે ઘેર લઇ આવી હતી.

સ્મિતાને કૉલેજમાંથી ત્રણ મહિનાની મેટરનિટીલિવ મળી હતી. તેથી મા-દીકરી મળીને નાનકડી પરીને અમે સાચવતા. પરી એટલી મીઠડી કે અમે બંને એને જોઇને ઘેલા ઘેલા થઇ જતા. સંદીપ પણ અવાર-નવાર દીકરીને જોવા આવતો રહેતો.
ત્રણ મહિને સ્મિતા ઘેર ગઇ. ઘરે બાઇ રાખી લીધી હતી. જે સ્મિતાની ગેરહાજરીમાં પરીને સાચવે. થોડો વખત તો બધું ઠીક ચાલ્યું, પણ પછી સ્મિતાને લાગ્યું કે બાઇ પરીનું બરાબર ધ્યાન રાખતી નથી. એટલે એક દિવસ સ્મિતા-સંદીપ પરીને લઇને મારે ઘેર આવ્યા અને સ્મિતાએ કહ્યું, `મમ્મી, આ બાઇ બરાબર નથી.

એ પરીની બરાબર સંભાળ નથી રાખતી. પરીનું વજન પણ ઘટી ગયું છે. મને પણ પરી નબળી પડેલી દેખાઇ. તેથી જ મેં સ્મિતાને કહ્યું, તો આ બાઇને રજા આપી દે. કોઇ નવી બાઇ રાખી લે.’

`મમ્મી, બાઇ બધી ચોરની બેન ઘંટી ચોર જેવી જ હોય એટલે મેં અને સંદીપે એવો વિચાર કર્યો છે કે તું જ અમારે ઘેર રહેવા આવી જાય તો અમારે ચિંતા નહીં. આમ પણ તું અહીં એકલી જ છે. અમારે ત્યાં આવીશ તો પરી સાથે તને વધારે જ ગમશે.’ મેં વિચાર કરીને જણાવીશ તેમ કહ્યું, પણ સ્મિતા-સંદીપ ઘણો આગ્રહ કરવા લાગ્યા.

એમનું કહેવું હતું કે, `થોડાં વર્ષો પછી તો તું અમારી સાથે રહેવા આવવાની જ છે. એકલી ક્યાં સુધી રહેવાની છે તો હમણાંથી આવી જા. તને ય ગમશે અને અમને પરીની ચિંતા નહીં રહે. પરી સાથે રહેવાનું આકર્ષણ તો હતું જ તેથી હું માની ગઇ. મારું ઘર બંધ કરીને સ્મિતાને ઘેર રહેવા ચાલી ગઇ.’

સ્મિતા કૉલેજ જતી. હું પરીને સાચવતી. હું રહેવાને કારણે સ્મિતા-સંદીપ સિનેમા-નાટક જોવા જતા, ફરવા જતા. એમાં મને કોઇ વાંધો ન હતો. છોકરાંઓ બિચારાં ભલેને ફરતા. મને તો પરી સાથે ને પરીને મારી સાથે મજા પડતી હતી.
એક દિવસ સંદીપ-સ્મિતા, હું અમે ત્રણેય પરીને રમાડતા બેઠાં હતાં ત્યારે સ્મિતાએ પૂછયું, મમ્મી, અહીં ફાવે તો છે ને? કોઇ તકલીફ નથી ને?’

ના રે બેટા, કોઇ તકલીફ નથી.' જો મમ્મી, તને ફાવી ગયું છે તો પછી હવે તારું ઘર રાખીને મેઇન્ટેનન્સ વગેરે ભરવાની શું જરૂર છે. ઘરને લોક કરીને રાખ્યું છે તેના કરતાં વેચી દઇએ તો એ પૈસા કામ આવે. આમ પણ સંદીપ હવે બિઝનેસ કરવા માંગે છે તો પૈસાની જરૂર છે. નોકરી કરીને શું વળશે? જો મમ્મી, તારો જમાઇ આગળ આવશે તો તને આનંદ થશે ને.’ મેં સ્મિતાને જે યોગ્ય લાગે એ કરવાની છૂટ આપ દીધી. એ લોકોએ જયાં સહી કરવાની કહી ત્યાં સહી કરી આપી.

ઘર વેચીને આવેલા પૈસામાંથી સંદીપે બિઝનેસ શરૂ કર્યો. પરી પણ પાંચ વર્ષની થઇ ગઇ હતી. સ્કૂલમાં જતી થઇ હતી. એક સારી બાઇ પણ મળી ગઇ હતી. મારી તબિયત થોડી નરમગરમ રહેવા લાગી. હવે ઘર અને પરીને પેલી બાઇ સંભાળ લેતી હતી. હું ઘણો વખત આરામ કરતી. સ્મિતા મને કહેતી, `મમ્મી, શું થયું છે તને? ફાઇન છે તું. મનથી તને એવું લાગે છે કે તું બીમાર છે. આખો દિવસ બીમાર છું એવું કહ્યાં કરે છે તો અમને પણ કંટાળો આવે છે…

હવે જમતી વખતે ઘણીવાર મારાથી ખાવાનું ઢોળાઇ જતું. સ્મિતા ગુસ્સો કરતી, `મમ્મી, આ શું ગંદકી કરે છે, સરખી રીતે ખાને. તું કંઇ નાનું છોકરું છે? મારા ખાવા -પીવા પર પણ સ્મિતાએ રિસ્ટ્રીકશન મૂકી દીધું હતું. હું રહી ખાવાની શોખીન અને સ્મિતા મને રોજ રાતે ખીચડી ખાવા આપે. કદાચ મારી તબિયત માટે એ સારું હશે, પણ મને ખીચડી મોંઢામાં ન જાય. મને જરાય ન ભાવે. વાતવાતમાં મને ટોક ટોક કરે. કોઇ મહેમાન આવે તો મને એની સાથે વાત કરવાની ના પાડે.

આમ મારું જીવન અઘરું થઇ ગયું. પરી પણ હવે સ્કૂલ અને કલાસીસમાં જવાને કારણે વ્યસ્ત થઇ ગઇ હતી. મને હવે અહીં ગમતું ન હતું, પણ મેં તો મારા કાંડા કાપી નાખ્યા હતા, મારું ઘર વેચીને હવે જાઉં તો પણ ક્યાં જાઉં? એક વેકેશનમાં એ લોકો દુબઇ ફરવા જવાના હતા.

Also Read – ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ અજાણ ચહેરા સાથે આત્મીયતાનો અનોખો અહેસાસ…

તેથી સ્મિતા મને અહીં મૂકી ગઇ મને કહ્યું, `મમ્મી, તું એકલી કેવી રીતે રહીશ? આવીને તને લઇ જઇશ.’ એ ગઇ તે ગઇ. બે મહિના પછી મળવા આવી અને બોલી, મમ્મી, હવે તું અહીં જ રહે. તારાં પૈસા હું ભરી દઇશ. આમેય મારા ઘરે તું એકલી પડી જઇશ. હવે તો પરી પણ આખો દિવસ ઘરમાં હોતી નથી. મારાં પૈસાથી શરૂ કરેલ સંદીપનો બિઝનેસ સારો ચાલે છે.

એ લોકોએ મોટું ઘર લીધું છે, પણ મોટા ઘરમાં આ મા માટે જગ્યા નથી. મારા બધાં જ પૈસાનો કબજો એ લોકો પાસે છે. બે-ચાર મહિને કોઇકવાર માની યાદ આવે તો મળવા આવે છે નહીં તો પોતાના સંસારમાં વ્યસ્ત છે. એ સુખી રહે તેને મારા આશીર્વાદ છે. પણ મારી સાથે એણે જે વિશ્વાસઘાત કર્યો એનું મને અત્યંત દુ:ખ છે. વાત પૂરી કરતા કુસુમબહેન રડી પડ્યાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button