નેશનલસ્પેશિયલ ફિચર્સ

વાહન ચાલકો સંભાળોઃ ભારતમાં રોડ એક્સિડેન્ટ દર ત્રણ મિનિટે એકનો ભોગ લે છે

ખરાબ રસ્તા, ખરાબ હવામાન, સિગ્નલનો અભાવ, લાઈટ્સનો અભાવ, ખોટા ટર્ન, રોડ્સની ખોટી ડિઝાઈન, રસ્તા પર આડા આવતા પશુઓ બધી વાત સાચી છતાં પણ વાહનચાલકોની બેદરકારી તેનો પોતાનો અને અન્યોનો જીવ લે છે તે વાત નકારી શકાય તેમ નથી અને એટલા માટે જ આ સમાચાર દરેક વાહનચાલકે વાંચવા જેવા છે અને બોધપાઠ લેવા જેવો છે. રોડ રસ્તાની સુવિધાઓ જેટલી વિકસી રહી છે તેટલા જ વાહનો પણ વેચાય રહ્યા છે.

મોટા શહેરો હોય કે નાના ગામડા વાહનોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, પણ આની સાથે એક્સિડન્ટ્સ વધી રહ્યા છે અને જીવ જઈ રહ્યા છે. તેમાં પણ વર્ષ 2022માં ભારતે એક્સિડન્ટની બાબતમાં જાણે રેકોર્ડ બનાવ્યો હોય તેમ દેશમાં એક વર્ષમાં 1.68 લાખ લોકોના મોત નિપજ્યા હતા. એટલે કે ભારતમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું રોડ એક્સિડન્ટમાં મોત થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં રોડ એક્સિડન્ટની સંખ્યા ઘટી છે પણ જીવલેણ એક્સિડન્ટ વધ્યા છે.

તેના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ વાહન અથડાયા હતા જેમાં 1.51 લાખ લોકોના મોતનિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં રોડ અકસ્માતોના કારણે મૃત્યુઆંક હંમેશા 1.50 લાખથી ઉપર રહ્યો છે.


ભારતમાં રોડ એક્સિડન્ટ એક એવી સમસ્યા છે કે તે દરરોજ સરેરાશ 462 લોકોના જીવ લે છે. વાહનોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ લોકોમાં વાહન ચલાવવાની આવડત અને ખાસ કરીને નિયમોનું પાલન કરવાની વૃત્તિ ઓછી હોવાના કારણે ડ્રાઈવિંગમાં બેદરકારી જોવા મળે છે. પરિણામે દરરોજ આખા દેશમાં કોઈને કોઈ જગ્યાએ ગંભીર અકસ્માતો થાય છે. ભારતે 2030 સુધીમાં દેશમાં જીવલેણ એક્સિડન્ટની સંખ્યા અડધી કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેનાથી વિપરીત મૃત્યુઆંક વધતો જાય છે.


ડેટાનું એનાલિસિસ દર્શાવે છે કે વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા.


રોડ સેફ્ટી સાથે સંકળાયેલા એક્સપર્ટનું કહેવું છે કે દર ત્રણ મિનિટે એક વ્યક્તિ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામે તે બહુ મોટો ફટકો ગણાય. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે વધુ સારા રોડ બનાવ્યા છે અને નવા વાહનો વધુ સ્પીડ પર દોડી શકે છે. પરંતુ તેની સાથે સાથે એકિસડન્ટની સંખ્યા પણ વધી છે.


1.68 લાખ લોકોના મૃત્યુ ઉપરાંત દેશમાં ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગયા વર્ષે 4.43 લાખ લોકોને ઈજા થઈ હતી. વર્ષ 2021માં આ આંકડો 3.84 લાખનો હતો.


સરકાર રોડ સેફ્ટી માટે ઘણા નિયમો ઘડે છે, પરંતુ મોટે ભાગે તેને નજરઅંદાજ કરવાનો એક સિરસ્તો ભારતમાં છે. અકસ્માતમાં અચાનક ઘરના સભ્ય ગુમાવતા કે અચાનક દિવ્યાંગ થઈ જતા લોકોના પરિવાર પર આભા ફાટે છે અને તેમનું જીવન દોજખ બની જાય છે. આથી બેદરકારીથી વાહન ચલાવતા પહેલા એકવાર તમારા પરિવારજનોને યાદ કરી લેજો કે ઘરે તેઓ તમારી રાહ જુએ છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button