-ટીના દોશી
દેશ અને દુનિયાની સાક્ષીએ ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી ભારતીય મહિલા ખેલાડીએ કુસ્તીના ખેલમાં પ્રથમ ચંદ્રક મેળવ્યો અને દેશનું ગૌરવ વધાર્યું… બોલો, એ કોણ છે?
એનું નામ સાક્ષી મલિક…. સાક્ષીએ 2015માં દોહામાં આયોજિત સિનિયર એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો અને 2016માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત રિયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. એ સાથે પહેલવાનીમાં દેશ માટે ચંદ્રક જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ. દેશનું નામ દુનિયામાં રોશન કરવા બદલ ભારત સરકારે સાક્ષી મલિકને 2016માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને 2017માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરી છે!
સાક્ષી મલિકની જ્વલંત સફળતા પર એક નજર: આંતરરાષ્ટ્રીય સ્તરે સાક્ષીએ પોતાના જીવનના પહેલા ખેલનું પ્રદર્શન 2010માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કરેલું. એમાં અઠ્ઠાવન કિલોગ્રામ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીતેલો. ત્યાર બાદ ચંદ્રક જીતવાની પરંપરાનો આરંભ થયો.
2011માં જમ્મુમાં આયોજિત જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, 2011માં જ ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક, 2011માં જ ગોંડામાં આયોજિત સીનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રજત ચંદ્રક, 2011માં સિરસામાં આયોજિત ઓલ ઇન્ડિયા વિશ્વવિદ્યાલય ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક,
2012માં યોજાયેલી જુનિયર ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક, એ જ વર્ષે 2012માં કઝાકિસ્તાનમાં આયોજિત જુનિયર ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક, સિનિયર ટુર્નામેન્ટમાં કાંસ્ય ચંદ્રક, 2012માં જ અમરાવતીમાં આયોજિત ઓલ ઇન્ડિયા વિશ્વવિદ્યાલય ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક,
2013માં કોલકાતામાં આયોજિત સીનિયર નેશનલ ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક અને 2014માં ઓલ ઇન્ડિયા યુનવર્સિટી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મળ્યો. 2014માં જ ડેવ ઈન્ટરનેશનલ રેસલિંગ ટુર્નામેન્ટમાં સાઠ કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક વિજેતા બની. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે સાક્ષીને ઓળખ મળી.
આ જ વર્ષે, 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સાક્ષીએ ક્વાર્ટર ફાઈનલમાં વિજય મેળવ્યો. એ પછી સેમિફાઈનલમાં કેનેડા સામે ત્રણ-એકથી વિજયી રહી. સાક્ષીની ફાઈનલ મૅચ નાઈજીરિયાની એમિનેટ સામે સાક્ષીએ પરાજય વેઠવો પડ્યો. પરિણામે સાક્ષી મલિકે રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.
પછીના વર્ષે, 2015માં દોહામાં એશિયન ચેમ્પિયનશિપનું આયોજન થયું. સાક્ષી મલિકે સાઠ કિલોગ્રામની શ્રેણીમાં પાંચ રાઉન્ડ થયા. ત્યાં સાક્ષી બે રાઉન્ડ જીતીને ત્રીજા ક્રમાંકે રહી અને કાંસ્ય ચંદ્રક પોતાને નામે કર્યો.
એ પછીના વર્ષે 2016માં બ્રાઝિલમાં રિયો ઓલિમ્પિકનું આયોજન થયેલું. એમાં જવા માટે સાક્ષી મલિકે ઇસ્તંબુલમાં આયોજિત વર્લ્ડ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડેલો.
સાક્ષીએ ચીનની જહાંગ લેનને હરાવીને રિયો ઓલિમ્પિકમાં જવાની કેડી કંડારી દીધી. રિયો ઓલિમ્પિકમાં સાક્ષીએ સૌથી પહેલાં સ્વીડન સામે જીત મેળવી. એ પછી માલ્ડોવા સામેની મૅચમાં વિજય મેળવ્યો, પણ પછી કિર્ગિસ્તાનની એસુલુ તિનેવેકોવા સાથેની મૅચમાં સાક્ષી પાંચ-આઠના સ્કોરથી પરાજિત થઈ. પરિણામે એને કાંસ્ય ચંદ્રક મળ્યો. આ જીત સાથે સાક્ષી ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ.
આંતરરાષ્ટ્રીય સ્તરે કુસ્તીમાં ભારતની આન, બાન અને શાન વધારવા બદલ સાક્ષી મલિકને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી. નોર્થ રેલવે ઝોનના કૉમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી સાક્ષીને બઢતી આપવામાં આવી. ભારતીય રેલવે તરફથી સાક્ષીને સાડા ત્રણ કરોડ રૂપિયાનું ઈનામ અપાયું. હરિયાણા રાજ્ય તરફથી અઢી કરોડ રૂપિયા રોકડ રકમ અને સરકારી નોકરીની પેશકશ કરવામાં આવી.
મધ્ય પ્રદેશ સરકારે સાક્ષીને પચ્ચીસ લાખ રૂપિયા રોકડ રકમનું ઇનામ અપાયું. ઉત્તર પ્રદેશ સરકારે સાક્ષીને રાણી લક્ષ્મીબાઈ પુરસ્કારથી સન્માનિત કરી. ઇન્ડિયન ઓલિમ્પિક ઍસોસિયેશન દ્વારા પણ સાક્ષીને પુરસ્કૃત કરવામાં આવી.
વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર સાક્ષી મલિકનો જન્મ હરિયાણાના રોહતક જિલ્લામાં આવેલા મોખરા ગામમાં 3જી સપ્ટેમ્બર 1992ના થયેલો. માતા સુદેશ મલિક એક આંગણવાડીમાં કાર્યકર. પિતા દિલ્હી ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનમાં કંડકટર તરીકે ફરજ બજાવતા. બાળપણમાં સાક્ષી કબડ્ડી અને ક્રિકેટ ખેલતી.
પણ રેસલર-કુસ્તીબાજ દાદા બઘ્લૂ રામથી પ્રેરાઈને સાક્ષી પણ પહેલવાન બનવા પ્રેરાઈ. દાદાને જોઈને મનમાં ચાલતી ભાંજગડ દૂર થઈ ગઈ. દાદાને જોઈને જ સાક્ષીના મનમાં પણ પહેલવાન બનવાનું બીજ રોપાયું. જોકે પોતાનો શોખ પૂરો કરવા એણે અભ્યાસ કરવાનું છોડ્યું નહોતું. સાક્ષીએ પ્રાથમિક શિક્ષણ રોહતકના વૈશ્ય પબ્લિક સ્કૂલમાંથી લીધેલું. એ પછી રોહતકના ડીએવી પબ્લિક સ્કૂલમાં ભણી. ત્યાર બાદ રોહતકના મહર્ષિ દયાનંદ વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતક કર્યું.
દરમિયાન, એક વાર ઉનાળાની રજાઓમાં સુદેશ દીકરી સાક્ષીને છોટૂ રામ સ્ટેડિયમ લઈ ગઈ. સુદેશની ઇચ્છા હતી કે સાક્ષી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરે. વ્યાયામ કરે કે પછી શરીરને કસરત મળી રહે એવી કોઈ રમત રમે. સાક્ષીએ કુસ્તી પર પસંદગી ઉતારી અને કુસ્તી શીખવાનું શરૂ પણ કર્યું.
સાક્ષીએ કુસ્તીનું પ્રશિક્ષણ બાર વર્ષની ઉંમરે લેવાનું શરૂ કરેલું. કોચ ઈશ્વર દહિયા. સાક્ષીએ પોતાના પ્રશિક્ષક ઈશ્વર સાથે રોહતકના અખાડામાં આવેલા છોટૂ રામ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. જોકે સાક્ષી માટે તાલીમના દિવસો સંઘર્ષમય હતા. સાક્ષીનો પરિવાર પોતાની દીકરી અને એના કોચને પડખે મક્કમતાથી ઊભેલો. એ લોકો સાક્ષીને સફળ થતી જોવા ઇચ્છુક હતા.
સાક્ષીને સફળતા મળી પણ ખરી. સફળતાના આકાશમાં એણે એટલી ઊંચી ઉડાન ભરી કે દેશનું નામ દુનિયામાં ઝળહળ્યું. એક મુલાકાતમાં સાક્ષીએ કહેલું કે, `મારાં માતાપિતાએ હંમેશાં મારો સાથ આપ્યો છે. ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યા પછી મેં મારાં માતાપિતાને જણાવ્યું તો બન્ને ખુશીનાં માર્યાં રડવા લાગ્યાં..’ સાક્ષીએ પણ ચંદ્રક મળવાની ક્ષણની ઉજવણી કરેલી. શરીરે ત્રિરંગો લપેટ્યો અને કોચ કુલદીપ મલિકે સાક્ષીને ઉઠાવી લીધી. બન્નેએ બે વાર રમત સ્થળનું ચક્કર લગાવ્યું.
દર્શકોએ ઊભા થઈને સાક્ષીની સફળતાનું અભિવાદન કર્યું. સાક્ષી કહે છે, `એ મારા જીવનની અમૂલ્ય અને શ્રેષ્ઠ ક્ષણ હતી!’