આ ક્રિકેટ-લેજન્ડ બની ગયો સાન્તા ક્લોઝ, ઓળખ્યો કે નહીં?
રાંચીઃ મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે નાતાલની ઉજવણીને યાદગાર બનાવી નાખી. તેણે પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા માટેના ખાસ સેલિબે્રશનમાં સાન્તા ક્લોઝ બનીને સૌને ચોંકાવી દીધા હતા. 43 વર્ષનો ધોની સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે એટલે બહુ ચર્ચામાં નથી આવતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે જિંદગી ખૂબ માણી રહ્યો છે. તેણે સાન્તા ક્લોઝનો પોશાક પહેરીને પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસની શાનદાર ઉજવણી કરી હતી.
Also read: મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ ૨૦૨૪માં રમવાના આપ્યા સંકેત
ધોનીની પત્ની સાક્ષીએ મિત્રોની મદદથી સાન્તા ક્લોઝ બનેલા પતિ અને ઝિવા સાથેનો ફોટો મીડિયામાં શૅર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ધોનીને સાન્તા શૂટમાં તથા યલો ગ્લાસિસમાં જોઈને તેના અસંખ્ય ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી અને તેને અનેક લાઇક્સ મળી હતી. આ પોશાકમાં ધોની જરાય ઓળખાય એવો નહોતો. પત્ની અને પુત્રી ઝિવા સાથેની તેની તસવીરમાં પરિવારની બાજુમાં ડેકૉરેશનવાળું ક્રિસમસ ટ્રી જોવા મળે છે.