સ્પોર્ટસ

મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે

સવારે 5.00 વાગ્યાથી લાઇવઃ 26 ડિસેમ્બરની ટેસ્ટ કેમ બૉક્સિંગ-ડે ટેસ્ટ કહેવાય છે? સંભવિત-ઇલેવન કેવી હોઈ શકે?

મેલબર્નઃ અહીં આવતી કાલે (ગુરુવારે, સવારે 5.00 વાગ્યે) શરૂ થતી બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ વિશેનો હિસાબ ચોખ્ખો છે. જો ભારત આ ટેસ્ટ જીતશે તો આ ટ્રોફી રીટેન કરશે અને યજમાન ઑસ્ટ્રેલિયા જીતશે તો તેઓ ભારત સામે એક દાયકા કરતાં પણ વધુ સમય બાદ પહેલી વાર સિરીઝ જીતવાની દિશામાં આગળ વધશે.

ઑસ્ટ્રેલિયા આ મૅચ હારશે અને ભારત 2-1થી આગળ થઈ જશે એ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવાનું કાંગારૂઓ માટે લગભગ અસંભવ થઈ જશે. મેલબર્નમાં હવામાન ખૂબ સારું છે એટલે મૅચનું પરિણામ લગભગ આવશે જ, ડ્રૉની સંભાવના ઓછી છે. બન્ને ટીમ એક-એક મૅચ જીતી છે અને બ્રિસ્બેનની ત્રીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રૉમાં પરિણમી હતી. દરરોજ અંદાજે 90,000 જેટલા પ્રેક્ષકો આ મૅચ સ્ટેડિયમમાં બેસીને નિહાળશે.

વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ એકલે હાથે ટીમ ઇન્ડિયાને આ સિરીઝમાં વિજય તરફ દોરી રહ્યો છે એમ કહીએ તો પણ ચાલે. તેની 21 વિકેટ આ સિરીઝમાં તમામ બોલર્સમાં હાઈએસ્ટ છે. બૅટર્સમાં કે. એલ. રાહુલ અને અમુક અંશે રવીન્દ્ર જાડેજા તેમ જ નીતિશ કુમાર રેડ્ડી ભારતની લાજ સાચવવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.

આ પણ વાંચો: મેલબર્નમાં ભારત ફરી જીતીને રચી શકે નવો ઇતિહાસ, 1985માં આ અનેરી સિદ્ધિ ચૂકી ગયા હતા

ઑસ્ટ્રેલિયા 19 વર્ષની ઉંમરના સૅમ કૉન્સ્ટૅસને ડેબ્યૂ કરવાનો મોકો આપવાનું છે. બીજી તરફ, ભારતના યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલ પર સૌની નજર રહેશે, કારણકે તેણે આ સિરીઝમાં નિરાશ કર્યા છે.

`બૉક્સિંગ-ડે’નો ઇતિહાસ 191 વર્ષ જૂનો છે. આ ઓળખ ચાર્લ્સ ડિક્નસે આપી હતી. દર વર્ષે ક્રિસમસના બીજા દિવસે કંપની તરફથી પોતાના કર્મચારીઓને તેમ જ ઘણા લોકો તરફથી સગાસંબંધીઓ તથા મિત્રોને જે ગિફ્ટ આપવામાં આવે છે એને બૉક્સમાં ગોઠવીને પૅક કરવામાં આવતી હોવાથી એ દિવસ (નાતાલ પછીનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર) બૉક્સિંગ-ડે તરીકે મનાવાય છે. ઇંગ્લૅન્ડમાં આ પ્રથા શરૂ થઈ હતી અને કૉમનવેલ્થ રાષ્ટ્રો (બ્રિટિશરોએ જ્યાં રાજ કર્યું હોય એવા દેશો)માં આ પ્રથા દર વર્ષે અનુસરવામાં આવે છે. આ શુભ દિનને ધ્યાનમાં રાખીને આ દેશોમાં ખાસ કરીને 26મી ડિસેમ્બરે મૅચ રમવામાં આવે છે અને ટેસ્ટ-સિરીઝ રખાઈ હોય તો એક ટેસ્ટ આ દિવસથી અચૂક શરૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો: મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મીડિયા વૉર હવે હદ વટાવી રહી છે…

બૉક્સિંગ-ડેનો ક્રિકેટ સાથેનો નાતો દોઢસો વર્ષ જૂનો છે. પ્રથમ બૉક્સિંગ-ડે ક્રિકેટ મૅચ મેલબર્નમાં 1865માં વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે રમાઈ હતી. એ મૅચમાં સમયની કોઈ જ મર્યાદા નહોતી અને પ્રત્યેક ઓવર ચાર બૉલની હતી.
ઑસ્ટ્રેલિયામાં સૌપ્રથમ બૉક્સિંગ-ડે ટેસ્ટ 1950માં રમાઈ હતી. ખરેખર તો એ ટેસ્ટ 22-28 ડિસેમ્બર દરમ્યાન રમાઈ હતી અને એમાં 25-26 ડિસેમ્બર રેસ્ટ ડે હતા. ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામેની એ ટેસ્ટ 28 રનથી જીતી લીધી હતી. 1979માં કેરી પૅકરે ઑસ્ટ્રેલિયન ક્રિકેટને લગતા તમામ ટીવી રાઇટ્સ ખરીદી લીધા ત્યારથી બૉક્સિંગ-ડે ટેસ્ટ દર વર્ષે રમાય છે. માત્ર 1989માં ઑસ્ટ્રેલિયાએ બૉક્સિંગ-ડેને દિવસે શ્રીલંકા સામે વન-ડેનું આયોજન કર્યું હતું.

ઑસ્ટ્રેલિયામાં ભારતની એકમાત્ર વિદેશી ટીમ એવી છે જે ઉપરાઉપરી બે બૉક્સિંગ-ડે જીતી છે. હાલમાં સિરીઝ 1-1ની બરાબરીમાં છે અને જો વધુ એક મૅચ જીતીશું તો ભારતના નામે એવો ઇતિહાસ લખાશે જેનની બરાબરી કદાચ અન્ય દેશો વર્ષો સુધી નહીં કરી શકે.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી/વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ.

ઑસ્ટ્રેલિયાઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઉસમાન ખ્વાજા, સૅમ કૉન્સ્ટેસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને સ્કૉટ બૉલેન્ડ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button