મેલબર્નમાં ભારત ફરી જીતીને રચી શકે નવો ઇતિહાસ, 1985માં આ અનેરી સિદ્ધિ ચૂકી ગયા હતા
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે અને ગુરુવાર, 26મી ડિસેમ્બરે મેલબર્નમાં શરૂ થતી સિરીઝની ચોથી ટેસ્ટ જીતીને ભારતને 2-1થી સરસાઈ કરવા તો મળશે જ, ભારતીય ટીમ આ ઐતિહાસિક સ્થળે નવો ઇતિહાસ પણ રચશે. ટીમ ઇન્ડિયાને મેલબર્નમાં ટેસ્ટ-વિજયની હૅટ-ટ્રિક નોંધાવવાનો પણ સુવર્ણ મોકો છે. 1985માં કપિલ દેવના સુકાનમાં ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવતાં ચૂકી ગઈ હતી, પણ હવે ભારતીય ટીમને ફરી તક મળી છે.
ઉલ્લેખનીય છે કે 147 વર્ષ પહેલાં સૌપ્રથમ ટેસ્ટ મેલબર્નમાં રમાઈ હતી જેમાં યજમાન ઑસ્ટ્રેલિયાએ ક્રિકેટના જનક ઇંગ્લૅન્ડની ટીમને 45 રનથી હરાવી દીધી હતી.
મેલબર્નમાં ભારતનો મિશ્ર દેખાવ રહ્યો છે. આ સ્થળે ભારત 14 ટેસ્ટ રમ્યું છે જેમાંથી આઠ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો અને ચાર ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે. બે ટેસ્ટ ડ્રૉ રહી છે.
આ પણ વાંચો : મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મીડિયા વૉર હવે હદ વટાવી રહી છે…
ભારત મેલબર્નમાં જીતની હૅટ-ટ્રિક નોંધાવવામાં એક વાર નિષ્ફળ રહી અને હવે બીજી વાર જે મોકો મળ્યો છે એમાં સફળતા મળી શકે એમ છે. જોકે ભારતના ટોચના બૅટર્સે અસલ પર્ફોર્મન્સ બતાવવો જ પડશે.
2018માં મેલબર્નમાં ભારતે મેલબર્નની ટેસ્ટમાં 137 રનથી વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ 2020માં ભારતે આઠ વિકેટથી જીત હાંસલ કરી હતી. હવે 2024માં સતત ત્રીજી ટેસ્ટ જીતવાની તક છે.
1985માં કપિલ દેવના સુકાનમાં ઍલન બોર્ડરની ઑસ્ટ્રેલિયન ટીમ સામે જીતી શકી હોત, પણ એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી. એ પહેલાં, 1981માં ભારતે ઑસ્ટ્રેલિયાને 59 રનથી અને એ અગાઉ 1978માં 222 રનથી હરાવ્યું હતું.