મનોરંજન

Baby John movie review: સાઉથની ચવાયેલી સ્ટોરીની રિમેક કઈ રીતે ફ્રેશ લાગી શકે?

થિયેટરોમાં પુષ્પા-2 ધ રૂલ ધૂમ મચાવી રહી છે. સાઉથની જ આ ફિલ્મ હિન્દીમાં પણ બની છે અને બોલીવૂડ લવર્સને વધારે ગમી રહી છે. પુષ્પાનું કેરેક્ટર લાર્જર ધેન લાઈફ છે અને વાર્તા ગળે ઉતરે તેમ નથી, પરંતુ વાર્તાને જે રીતે કહેવામાં આવી છે તે તર્ક ન હોવા છતાં તર્કબદ્ધ લાગે છે અને એટલે જ હાથપગ બાંધ્યા હોવા છતાં હવામાં ઉડતા પુષ્પાની ફાયટિંગ સિક્વન્સ જોતા સિટી વગાડવાનું મન થાય છે.

હીરોને જ્યારે સુપરહીરો બનાવવામાં આવે ત્યારે સ્ટોરીમાં અને સ્ટોરી ટેલિંગમાં એટલો દમ હોવો જોઈએ કે સુપરહીરો પણ સામાન્ય લાગે અને પોતાના જેવો જ લાગે.

ખેર સુકુમારની આ આવડત બેબી જ્હોનના ડિરેક્ટર કલિસે નથી દેખાડી અને તે સાથે એટલી, સુમિત અરોડાની સ્ટોરીમાં પણ દમ નથી, આથી જીયો સ્ટૂડિયોઝની આ ફિલ્મ વરૂણની સારી એક્ટિંગ અને સારા એક્શન સિક્વન્સ હોવા છતાં જોવાલાયક બની નથી.

કેવી છે સ્ટોરી

એક તરફ ભલે સાઉથની ફિલ્મોનો દબદબો હોય, પરંતુ મોટા ભાગની ફિલ્મો હવે બીબાઢાળ બનતી દેખાઈ રહી છે. બેબી જ્હોન પણ સાઉથની ફિલ્મ થેરી પરથી બની છે, જેમાં વિજય હીરો હતો. આ ફિલ્મ લોકોએ હિન્દીમાં ડબ થયેલી જોઈ છે અને ટીવી પર પણ ઘણીવાર દેખાઈ છે.

આથી થેરીની સ્ટોરી આ ફિલ્મ જોનારા માટે નવી નથી. જેમણે નથી જોઈ તેમને જણાવીએ તો વરૂણ સત્ય વર્મા નામના ડીસીપીના રોલમાં છે, પરંતુ તે કેરળમાં બેકરી ચલાવે છે અને દીકરી ખુશી સાથે રહે છે.

આ પણ વાંચો : પુષ્પા-2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1600 કરોડઃ હવે માત્ર આ બે ફિલ્મોને પાછળ મૂકી દે એટલે

તેનો એક ભૂતકાળ છે. જેકી શ્રોફ નાનાના પાત્રમાં છે અને તે વિલન છે જે બાળકીઓની તસ્કરી કરે છે. વરૂણ તેના આ કાળાકામમાં વિલન બને છે અને હવે નાના વરૂણની દીકરીને ઉઠાવી જવાનું બીડું ઝડપે છે. આ બધા વચ્ચે એ જ ડાયલોગબાજી, ડાન્સ સિકવન્સ, હીરોઈનોના લટકા ઝટકા.

ફિલ્મમાં સેન્ટ્રલ ફ્રેશ અને એસ્ટ્રલ પાઈપનું બ્રાન્ડીગ એટલું કરવામા આવ્યું તે કે ક્યારેક તો તમે મોટી એડવર્ટાઈઝમેન્ટ જોતા હો અને વચ્ચે ફિલ્મ જોવા હો તેમ લાગે છે.

કેવી છે એક્ટિંગ, ડિરેક્શન

ફિલ્મો ફલૉપ જતા શાહરૂખ ખાને પણ સાઉથના ડિરેક્ટરને શરણે જવું પડ્યું હતું અને પઠાણ અને ત્યારબાદ જવાનમાં એક્શન હીરો બની કમબેક કર્યું હતું. વરૂણ ધવનને પણ એક હીટની જરૂર છે અને એક્શન હીરો તરીકે આ ફિલ્મ તેને નવો રસ્તો બતાવી શકે છે. ફિલ્મની સફળતાની ખબર નહીં, પરંતુ વરૂણ રોમાન્ટિક હીરોમાંથી એક્શન હીરો બની શકે તેવો દમદાર અભિનય તેણે કર્યો છે. વરૂણ સાથે કિર્તી સુરેશ માટે પણ આ ફિલ્મ મહત્વની છે કારણ કે આ તેની બોલીવૂડ ડેબ્યુ છે. કિર્તીએ પણ સારો અભિનય કર્યો છે અને અમુક સિન્સમાં તો તેણે સિક્કો મારી દીધો છે.

ખુશી વર્મા એટલે કે વરૂણની દીકરી તરીકે જારા જિયાના કમાલ કરે છે. વરૂણની બીજી હીરોઈન તરીકે વામિકા ગબ્બી અને જારા સારું બૉંન્ડિંગ ધરાવે છે. વિલન તરીકે જેકી શ્રોફ ડરામણો ઓછો અને ભદ્દો વધુ લાગે છે. તેની ઉંમર પ્રમાણે તેનો લૂક મેચ કરતો નથી. રાજપાલ યાદવ અને શીબા ચઢ્ઢા અને સોનાલી શર્મિષ્ઠા નાના પાત્રોમાં છે, પણ સારી છાપ છોડી જાય તેવા છે.

ડિરેક્ટર તરીકે કલિસ કમાલ બતાવી શક્યા છે. હિન્દી રિમેકમાં સાઉથની છાપ હવે બીબાઢાળ લાગે છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. કિરણ કૌશિકની સિનેમેટોગ્રાફી ધ્યાન ખેંચી લે તેવી છે.

જો તમને ટાઈમપાસ જ કરવો હોય અને વરૂણની એક્શન જોવી હોય તો થિયેટરમાં જજો.

મુંબઈ સમાચાર રેટિંગઃ 2/5

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button