વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં જાણીતા સંસદસભ્યનો પુત્ર રમ્યો મૅચ-વિનિંગ ઇનિંગ્સ
હૈદરાબાદઃ હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં ઘણા જાણીતા અને અજાણ્યા બૅટર્સ પોતપોતાની ટીમ માટે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એમાં એક ઓછો જાણીતા બૅટર એ પણ છે જે જાણીતા રાજકીય નેતાનો પુત્ર છે અને ઓપનિંગમાં તેણે પોતાની ટીમ માટે ઉપયોગી રન બનાવ્યા હતા.
બિહારના પૂર્ણિયા મતવિસ્તારના સંસદસભ્ય પપ્પુ યાદવનો પુત્ર સાર્થક રંજન દિલ્હીની ટીમમાં છે અને તેણે બે દિવસ પહેલાં અહીં મધ્ય પ્રદેશ સામેની મૅચમાં મૅચ-વિનિંગ 41 રન બનાવીને દિલ્હીને જીતનો પાયો નાખી આપ્યો હતો. 28 વર્ષનો સાર્થક રંજન રાઇટ-હૅન્ડ બૅટર છે. ભૂતકાળમાં તે દિલ્હી અન્ડર-16 અને દિલ્હી અન્ડર-19 ટીમ વતી રમી ચૂક્યો છે. તેણે છ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી છે. 2018માં તેણે દિલ્હી વતી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ ક્રિકેટવર્લ્ડમાંથી ગાયબ થઈ ગયો હતો.
આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ
સોમવારે સાર્થકે 68 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી 41 રન બનાવ્યા હતા. તેનો સાથી-ઓપનર વૈભવ કંડપાલ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પણ પછી સાર્થકે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા ઑલરાઉન્ડર હૃિતિક શોકીન સાથે મળીને બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરીને દિલ્હીને વધુ મુશ્કેલીમાં જતાં રોક્યું હતું. શોકીન પણ આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો. તેણે બાવીસ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે 28 રન બનાવ્યા હતા.
આઇપીએલમાં બેન્ગલૂરુ અને રાજસ્થાન વતી રમી ચૂકેલા જાણીતા વિકેટકીપર-બૅટર અનુજ રાવત (78 રન, 103 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર)નું દિલ્હીના કુલ 211 રનમાં સૌથી મોટું યોગદાન હતું.
આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડાનો વિજય…
રજત પાટીદારના સુકાનમાં મધ્ય પ્રદેશની ટીમ માત્ર 132 રન બનાવી શકી હતી અને દિલ્હીનો 79 રનથી વિજય થયો હતો. દિલ્હીના નવદીપ સૈનીએ ચાર વિકેટ અને હૃતિક શોકીને ત્રણ વિકેટ લીધી હતી.