ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો.
1962માં ઘરબેઠાં ગંગા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીને ફિલ્મી કારકિર્દી શરૂ કરનારા શ્યામ બેનેગલ ઉર્ફે શ્યામબાબુએ 1974માં પોતાની પહેલી ફીચર ફિલ્મ અંકુર બનાવેલી ને 2023માં બાગ્લાદેશની આઝાદીના પ્રણેતા શેખ મુજીબુર રહેમાનના જીવન પરથી છેલ્લી ફિલ્મ મુજીબ બનાવી હતી.
શ્યામબાબુની કારકિર્દી એ રીતે 50 વર્ષની હતી ને આ 50 વર્ષમાં તેમણે 24 ફીચર ફિલ્મ બનાવી તેમાંથી એક પણ ફિલ્મ બ્લોક બસ્ટર કે સુપરહીટ નહોતી છતાં શ્યામ બેનેગલને દિગ્ગજ ડિરેક્ટર ગણાય છે કેમ કે તેમણે ભારતીય સિનેમામાં એક નવા પ્રવાહની શરૂઆત કરી.
બેનેગલે ફોર્મ્યુલા ફિલ્મોથી અલગ એવી ફિલ્મો બનાવી કે જેમાં સ્ટોરી કેન્દ્રસ્થાને હોય. શ્યામબાબુએ એવી ફિલ્મો બનાવી કે જે કોઈને પણ વિચારતા કરી દે. સામાજિક વિષયો અને સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને શ્યામબાબુએ બનાવેલી ફિલ્મો આજે પણ જોવી ગમે એવી છે.
શ્યામ બેનેગલ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદના મિડલક્લાસ પરિવારમાં જન્મેલા. પ્રખ્યાત અભિનેતા અને મહાન સર્જક ગુરુ દત્તના પિતરાઈ ભાઈ થતા હતા. શ્યામબાબુના પિતા શ્રીધરન ફોટોગ્રાફર હતા તેથી તેમણે દીકરાને પણ કેમેરા લઈ આપેલો તેથી નાની ઉંમરથી જ બેનેગલનો કેમેરા સાથે નાતો થઈ ગયો હતો.
આ કારણે જ અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યા પછી તેમણે ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું. બેનેગલે શરૂઆત મુંબઈમાં એડ એજન્સીઓ માટે કોપી રાઈટિંગ અને એડ ફિલ્મો બનાવવાથી કરેલી ને પછી ફિલ્મો તરફ વળ્યા.
‘અંકુર’, ‘મંડી’, ‘સરદારી બેગમ’, ‘ઝુબૈદા’ જેવી અવિસ્મરણીય ફિલ્મો બનાવનારા શ્યામબાબુનું ગુજરાત સાથે તો ગાઢ નાતો હતો. શ્યામબાબુએ ફિલ્મ સર્જનની શરૂઆત ગુજરાતીમાં ઘરબેઠાં ગંગા નામે ડોક્યુમેન્ટરી બનાવીને કરેલી. લગભગ દોઢ દાયકા પછી 1976માં તેમણે ગુજરાતમાં સહકારી મંડળીની શ્વેતક્રાંતિ પર ગિરીશ કર્નાડ અને સ્મિતા પાટિલને લઇને ‘મંથન’ ફિલ્મ બનાવીને ગુજરાતની મહાન સિધ્ધીને આખી દુનિયા સામે મૂકી દીધેલી.
શ્યામબાબુની મંથન ફિલ્મ એ રીતે પણ ખાસ છે કે, ‘મંથન’ ફિલ્મ ભારતની પહેલી ‘ક્રાઉડફન્ડેડ’ ફિલ્મ હતી. ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયનની જોડી ગુજરાતમાં દૂધ સહકારી મંડળીઓ (અમૂલ)ની શ્વેતક્રાંતિ લાવી હતી. આ શ્વેત ક્રાંતિ પરની ફિલ્મ બનાવવા માટે 5 લાખ ખેડૂતોએ 2-2 રૂપિયા આપ્યા હતા. શ્યામ બેનેગલે આ રીતે 10 લાખ રૂપિયા એકઠા કરીને એક નવો રસ્તો બતાવ્યો હતો પણ બહુ ઓછા સર્જકો આ રસ્તે આગળ વધી શક્યા કેમ કે તેમની પાસે શ્યામબાબુ જેવા જોરદાર વિષયો નહોતા.
શ્યામ બેનેગલે પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર વિજય તેંડુલકર સાથે મળીને લખાયેલી મંથન ફિલ્મ ભારતીય સિનેમામાં માઈલસ્ટોન છે. આ ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો હતો અને તેને 1976ના વર્ષ માટે ભારત તરફથી ઓસ્કરની સત્તાવાર એન્ટ્રી તરીકે પણ મોકલવામાં આવી હતી.
શ્યામ બેનેગલે ‘અંકુર’ (1974)થી ફીચર ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. શ્યામબાબુને ભારતીય સિને જગતમાં આર્ટ ફિલ્મોના પ્રણેતા માનવામાં આવે છે. તેમની પહેલી ચાર ફિલ્મો ‘અંકુર’, ‘નિશાંત’ (1975), ‘મંથન’ (1976) અને ‘ભૂમિકા’ (1977) પ્રમાણમાં ધીમી હતી તેથી આ છાપ પડી. આ ફિલ્મો દ્વારા બેનેગલે ભારતીય સમાંતર સિનેમામાં એક નવી જ લહેર લાવી દીધી અને મહાન સર્જક તરીકે પ્રસ્થાપિત કરી દીધા એ પણ સાચી વાત છે પણ શ્યામ બેનેગલની રેન્જ બહુ વિશાળ હતી. શ્યામ બેનેગલના સર્જન પર નજર નાખશો તો આ વાત સમજાશે.
શ્યામ બેનેગલની ઘણી બધી ફિલ્મો મહાન સર્જનો પર આધારિત હતી. સામાન્ય રીતે કોઈ કથા કે પુસ્તક પરથી ફિલ્મ બને ત્યારે મૂળ સર્જન કરતાં ઊતરતી કક્ષાની હોય એવું જ બને. દેવાનંદની ગાઈડ ફિલ્મ ભારતીય સિનેમામાં ક્લાસિક ગણાય પણ આર.કે. નારાયણની ગાઈડ નોવેલની સરખામણીમાં ફિલ્મ બહુ ફિક્કી છે. બેનેગલે મૂળ સર્જન જેટલી જ યાદગાર ફિલ્મો બનાવી.
શ્યામ બેનેગલની ભૂમિકા ફિલ્મ 1940 ના દાયકાની જાણીતી મરાઠી મંચ અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી હંસા વાડકરની સાંગત્યે આઈકા નામની આત્મકથા પર આધારિત હતી. હંસા વાડકર બિંદાસ અને કોઈની પરવા કર્યા વિનાની જિંદગી જીવી હતી. બેનેગલે આ ફિલ્મને ક્લાસિક બનાવી દીધી. ચરણદાસ ચોર મહાન રાજસ્થાની સર્જક વિજયદાન દેથાની કૃતિ પર આધારિત હતી. જુનૂન રસ્કિન બોન્ડની અ ફ્લાઈટ ઓફ પીજીયન્સ પરથી બનેલી તો મંડી ગુલામ અબ્બાસની ઉર્દૂ શોર્ટ સ્ટોરી આનંદી પરથી બનેલી. સૂરજ કા સાતવાં ઘોડા ધર્મવીર ભારતીની એ જ નામની નોવેલ પરથી બનેલી.
બેનેગલે અલગ વિષયો પર પણ જાનદાર ફિલ્મો આપી. નિશાંત જાગીરદારોના અત્યાચારો પર આધારિત હતી તો આરોહણ નકસલવાદ પર આધારિત હતી. અંકુર દલિત પરિણીત સ્ત્રીના ધનિક યુવક સાથેના સેક્સ સંબંધો પર આધારિત હતી. કલયુગ દ્વારા બેનેગલે મહાભારતને આધુનિક સ્વરૂપમાં રજૂ કર્યું. બેનેગલે વાસ્તવિક જીવનની ઘટનાઓ પરથી પણ અદભુત ફિલ્મો બનાવી. મંથન, ઝુબૈદા, ધ મેકિંગ ઓફ મહાત્મા, બોઝ, સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓ પર આધારિત અંતર્નાદ તેનાં ઉદાહરણ છે.
Also Read – કવર સ્ટોરી ઃ ડિજિટલ અરેસ્ટની આભાસી માયાજાળ ‘એનસીપીઆઇ’ એડવાઇઝરી કેવા ઉપાયો સૂચવે છે?
શ્યામ બેનેગલની બીજી ખાસિયત એ કે તેમણે કદી મોટા મનાતા કલાકારોને લીધા નહીં પણ તેમની ફિલ્મોમાં કામ કરીને કલાકારો મોટા થયા. શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને સિનેમેટોગ્રાફર-ફિલ્મમેકર ગોવિંદ નિહલાની જેવા મહાન કલાકારો આપ્યા પણ એ સિવાય બીજા પણ ઘણા એવા કલાકારો છે કે જેમની કારકિર્દીની ઓળખ જ શ્યામ બેનેગલની ફિલ્મ બની હોય. કરિશ્મા કપૂરને કોઈ સિરિયસ એક્ટ્રેસ ગણતું જ નહોતું પણ ઝુબેદા ફિલ્મે આ માન્યતા બદલી. સચિન ખેડેકરે આખી જિંદગી કેરેક્ટર રોલ જ કર્યા પણ બેનેગલે ખેડેકરને સુભાષચંદ્ર બોઝ તરીકે રજૂ કરીને નવી ઓળખ આપી.
રજીત કપૂરને યુવા ગાંધી તરીકે રજૂ કરીને બેનેગલે તેમને પણ અમર કરી દીધા. વેલકમ ટુ સજજનપુર ફિલ્મ દ્વારા શ્રેયસ તળપદેને કોમેડી ફિલ્મોમાં કામ કરવાની ક્ષમતાને બેનેગલ બહાર લાવ્યા ને પછી શ્રેયસ પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ. શ્યામબાબુએ ટીવી પર પણ યાદગાર કામ કર્યું.
ટેલિવિઝન માટે તેમણે ‘કથા સાગર’, જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પરથી ‘ભારત એક ખોજ’, ‘અમરાવતી કી કથાયેં’, ‘સંવિધાન’ જેવી આજે પણ જોવી ગમે એવી સિરીઝ બનાવી હતી. સત્યજિત રાય અને જવાહરલાલ નેહરુ પર પણ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવનારા શ્યામબાબુની રેન્જ ખરેખર વિશાળ હતી.
શ્યામ બેનેગલ આપણી વચ્ચેથી ભલે વિદાય થયા પણ એ પહેલાં એટલું સર્જન કરતા ગયા છે કે, સિનેમા રહેશે ત્યાં સુધી શ્યામ બેનેગલ સ્મૃતિમાં રહેશે.