કવર સ્ટોરી ઃ ડિજિટલ અરેસ્ટની આભાસી માયાજાળ ‘એનસીપીઆઇ’ એડવાઇઝરી કેવા ઉપાયો સૂચવે છે?
-નિલેશ વાઘેલા
માનવામાં ના આવે પરંતુ ડિજિટલ અરેસ્ટ એટલે કે આભાસી માયાજાળમાં ફસાયેલા ભારતીયોએ એક અંદાજે રૂપિયા 120.30 કરોડ ગુમાવ્યા છે. આવો જોઇએ આને ટાળવા માટે એનસીપીઆઇએ એડવાઈઝરીમાં કેવા સૂચનો આપ્યા છે!
‘ડિજિટલ અરેસ્ટ’ આ શબ્દ સાઇબર ક્રાઇમની દૂનિયામાં હાલ એટલો પંકાઇ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં એટલો વાઇરલ થયો છે કે ભાગ્યેજ કોઇ એનાથી અજાણ હશે! આમ છતાં જાણીને આશ્ર્ચર્ય થાય છે કે આ ટેકનોલોજી અને સાયકોલોજીના દૂરપયોગથી છેતરનારા, લૂટાનારા મોટેભાગે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરનારા લોકો જ છે. ઓનાલાઇન પેમેન્ટ સિસ્ટમના જોખમો હવે લોકોના નાણાંનો જ નહીં પરંતુ અમુક કિસ્સામાં જીવનો પણ ભોગ લઇ રહ્યાં છે.
માનવામાં ના આવે પરંતુ ડિજિટલ અરેસ્ટ એટલે કે આભાસી માયાજાળમાં ફસાયેલા ભારતીયોએ એક અંદાજે રૂ. 120.30 કરોડ ગુમાવ્યા છે. આવો જોઇએ આને ટાળવા માટે એનસીપીઆઇએ એડવાઈઝરીમાં કેવા સૂચનો છે!
માત્ર સોશિયલ મીડિયા જ નહીં પરંતુ તાજેતરમાં આ ક્રાઇમ એટલી હદે હદપાર કરી ગયો છે કે લગભગ દરેક પ્રસાર માધ્યમોમાં એકાંતરે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશિત થતી રહે છે અને આમ છતાં લોકોમાં દાદરુકતા કેમ નથી આવી રહી એ સવાલ છે.
એની વેઝ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનસીપીઆઇ)એ દેશમાં ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટની વધતી ઘટનાઓ અને ધમકીઓ અંગે ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરી છે.
નોંધવું રહ્યું કે, ડિજિટલ અરેસ્ટ કૌભાંડને કારણે ભારતીયોએ 120.30 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાની માહિતી તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ મન કી બાતના એક એપિસોડમાં જાહેર કરી હતી.
ડિજિટલ પેમેન્ટની પહોંચ હવે દેશના દરેક ખૂણે છે, તે દેશને ડિજિટલ તરફ લઈ જઈ રહી છે. આ સિસ્ટમે વપરાશકર્તાઓને સુરક્ષા અને સુવિધા બંને પૂરા પાડ્યા છે એમ જણાવવા સાથે એનસીપીઅઆઇએ એવી તાકીદ પણ કરી છે કે, ડિજિટલ સિસ્ટમનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવો અને કૌભાંડોથી બચવું મહત્વપૂર્ણ છે. કોઈપણ સંભવિત છેતરપિંડી અથવા કૌભાંડને સમયસર શોધીને તમે તમારી જાતને અને તમારા પ્રિયજનોને બચાવી શકો છો.
આપણે સૌપ્રથમ એ જાણીએ કે ડિજિટલ અરેસ્ટ શું છે અને તેને શોધવા અને ટાળવા માટેના ઉપાયો શું છે?
ડિજિટલ અરેસ્ટ એ એક નવા પ્રકારનું સાયબર અને ઓનલાઈન કૌભાંડ છે. પોલીસ અથવા અન્ય સરકારી વિભાગોના તપાસ અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને, સ્કેમર્સ પહેલા લોકોના મનમાં એવું બેસાડી દે છે કે તેઓએ કોઈ નાણાકીય ગુનો કર્યો છે અથવા કંઈક ખરાબ થયું છે અથવા તેમના પરિવારના કોઈ સભ્ય સાથે કશું ખરાબ થવાનું છે. મોટા ભાગના કેસમાં સામે સ્ક્રિન સામે બેઠેલી વ્યક્તિ પોલીસ અથવા કસ્ટમ અધિકારીના યુનિફોર્મમાં હોય છે. આવી સ્થિતિમાં લોકો માને છે કે તે સાચું બોલી રહ્યો છે. ઘણીવાર તેમના શિકાર વિશેની 90 ટકા સાચી માહિતી એ લોકો પાસે હોવાથી લોકો તેમની વોતોમાં ભરમાઇ જાય છે અને આ પછી તેઓ ગભરાટમાં બિલકુલ સરેન્ડર થઇને તેઓ કહે એ પ્રમાણે કરતા રહે છે.
હવે જાણીએ કઇ રીતે ડિજિટલ અરેસ્ટ થાય છે અને આપણે આવા આભાસી સંકજામાં સપડાતાં બચવા માટે કેવુ સાવચેતી રાખવી જોઇએ? આવા કિસ્સામાં સૌ પ્રથમ સરકારી અધિકારીઓના નામે ફોન કોલ્સ આવે છે.
જો કોઈ વ્યક્તિ પોલીસ, સીબીઆઈ, આવકવેરા અધિકારી અથવા કસ્ટમ એજન્ટ જેવી સરકારી એજન્સીઓમાંથી હોવાનો દાવો કરે તો સાવચેત રહો. ખાસ કરીને જો તેઓ દાવો કરે કે તાત્કાલિક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે અથવા જરૂરી છે, તો સાવચેત રહો. આ સાઇબર લૂટારૂઓ એવા આરોપ લગાવી શકે છે કે તમે અથવા પરિવારનો કોઈ સભ્ય મની લોન્ડરિંગ, કરચોરી અથવા ડ્રગ હેરફેર જેવા ગંભીર ગુનામાં સામેલ છો. આ લોકો તમારા ઘરના સભ્યના એઆઇ જનરેટેડ અવાજ કે ફોટા કે વિડિઓ પણ બતાવી શકે છે.
ધાકધમકી આપનારી ભાષા સાથે તેમની મારપીટ કરાતી હોવાનું ચિત્ર પણ ઊભું કરવામાં આવે છે. આવા છેતરપિંડી કરનારાઓ તમને વીડિયો કોલ માટે પૂછે છે. આમાં તેઓ પોલીસ યુનિફોર્મમાં હોય છે અને યુનિફોર્મ પર સરકારી લોગો પણ છપાયેલો છે.
માત્ર યુનિફોર્મ જ નહીં પરંતુ આ માટે તેઓ વાસ્તવિક પોલીસ સ્ટેશન જેવું સેટઅપ પણ બનાવે છે. વાટાઘાટો દરમિયાન તેઓ ઘણીવાર અરેસ્ટ અથવા તાત્કાલિક કાનૂની કાર્યવાહીની ધમકી આપે છે. તેઓ તેમની દરેક માગ પર તમારી પાસેથી ઝડપી પ્રતિસાદ ઇચ્છે છે.
ડિજિટલ અરેસ્ટ કરનારાઓ તમારી અંગત માહિતી માંગશે અથવા તમારા વિરુદ્ધના આરોપોમાંથી તમારૂ નામ દૂર કરવા માટે મોટી રકમની માગ કરી શકે છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ તમને તેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કરે છે. આ સાઇબર ખંડણાીખોરોે તમને તમારા નામની પુષ્ટિ કરવા, તપાસમાં મદદ કરવા અથવા રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટના નામે બેંક એકાઉન્ટ અથવા યુપીઆઇ આઇડીમાં પૈસા જમા કરાવવા દબાણ કરી શકે છે. મોટેભાગે લોકો સ્ટ્રેસમાં આવીને તેમની માગણીને વશ થઇ જતાં હોય છે.
Also Read – ઔર યે મૌસમ હંસીં… ઃ વરઘોડો હોય કે ઉત્સવ … સિનેમા સંગીત વગર NO મજા!
હવે એ જાણી લો કે, ડિજિટલ અરેસ્ટ ટાળવા શું કરવું? સૌ પ્રથમ તો વોટ્સએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર આવતા કોઈપણ શંકાસ્પદ કોલ્સ ઉપાડશો નહીં. જો તમે ફોન ઉપાડ્યો હોય તો ગભરાશો નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ક્યારેય શેર કરવી નહીં. જો તમને સહેજ પણ શંકા જાય કે કશું ખોટું થઇ રહ્યું અથવા અજુગતું લાગે છે, તો ફોનને તરત જ ડિસ્કનેક્ટ કરો. ફોન પર વાતચીત કરવાનું ટાળો અને સવાલ જવાબને નામે લાંબી વાતચીતમાં તો ક્યારે ના ફસાવ. ટ્રુ કોલર જેવી એપ વડે અજાણ્યા નંબર પરથી આવતા કોલને તરત જ વેરિફાય કરવાની ખાતરી કરો. જો ફોન જેન્યુઇન હશે તો પાછો પણ આવશે, અજાણાં નંબરનો કોલ ઉપાડવાનું ટાળો.
નોંધવું રહ્યું કે, તાજેતરમાં ભારત સરકારે લગભગ 1.7 કરોડ સિમ કાર્ડ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ સિમ કાર્ડ નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો દ્વારા આપવામાં આવ્યા હતા. આ સિવાય તમે સાઇબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર તેની ફરિયાદ કરી શકો છો.