ચૂંટણી પહેલા દિલ્હીનાં સીએમ આતિશીની ભાજપ ધરપકડ કરાવી શકેઃ કેજરીવાલે કર્યો મોટો દાવો
નવી દિલ્હી: આવતા વર્ષે યોજાનાર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અન્ય પાર્ટીઓથી વધુ સક્રિય રીતે તૈયારી કરી રહી હોય એવું જણાય રહ્યું છે. AAP કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહાર લગાવી રહી છે. એવામાં આજે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભાજપ પર દિલ્હી સરકારની યોજનાઓ રોકવાનો આરોપ લગાવ્યો. સાથે તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન આતિશીની નકલી કેસમાં ધરપકડ થઈ શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આતિશી પણ હાજર રહ્યા હતાં.
આ મામલે આતિશીની ધરપકડ થઇ શકે છે:
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં જ ED, CBI અને ITની એક બેઠક થઈ છે અને ટૂંક સમયમાં જ અમારા તમામ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે. અમને એવી માહિતી પણ મળી રહી છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં આતિશી વિરુદ્ધ બનાવટી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેની ધરપકડ થવી જોઈએ. અમને ચૂંટણીમાં રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ માટે AAPને વોટ આપો:
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભાજપ પાસે કોઈ નારેટીવ નથી. તેમણે 10 વર્ષમાં કંઈ કર્યું નથી. તેઓ એવું નથી કહી શકતા કે તેમને વોટ કેમ આપવા જોઈએ? કેજરીવાલ આમ અને કેજરીવાલ તેમ જ કાર્યકરે છે. ગાળો આપ્યા કરે છે. તેમની પાસે સીએમનો ચહેરો નથી, એજન્ડા નથી, ઉમેદવાર નથી. AAP સકારાત્મક ઝુંબેશ કરી રહી છે, અમે શાળા, હોસ્પિટલ, વીજળી, પાણી, બસ મુસાફરી, યાત્રાધામ વિશે વાત કરી રહ્યા છીએ, એટલા માટે અમે કહી રહ્યા છીએ કે અમને વોટ આપો.”
Also Read – Arvind Kejriwal ને મોટો આંચકો, મંત્રાલયે કહ્યું મહિલા સન્માન અને સંજીવની જેવી કોઇ યોજના નથી
તેમણે કહ્યું, “અમે બે યોજનાઓની જાહેરાત કરી છે, મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના. અમે ચૂંટણી જીતીશું તો બંને યોજનાનો અમલ કરવામાં આવશે.”
મુખ્ય પ્રધાન અતિશીએ શું કહ્યું?
આતિશીએ કહ્યું, “અમને નક્કર સમાચાર મળ્યા છે કે પરિવહન વિભાગ સાથે સંબંધિત કોઈ બાબતમાં મારી વિરુદ્ધ નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમે પ્રમાણિકતાથી કામ કર્યું છે. સત્ય બહાર આવશે. મને ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. બનાવટી કેસ ગમે તે હોય, સત્યનો જ વિજય થશે.
તેમણે કહ્યું, “હું બીજેપીના લોકોને કહેવા માંગુ છું કે દિલ્હીના લોકો બધું જોઈ રહ્યા છે, જેને તેઓ અમારા પર ખોટા આરોપ લગાવીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જનતા ભાજપને જવાબ આપશે.”