ઈન્ટરવલ

સાયબર સાવધાની : મોતના કારમા આઘાત વચ્ચે સંવેદનહીનતાની પરાકાષ્ઠા

-પ્રફુલ શાહ

સાઉથ મુંબઇના સમૃદ્ધ વિસ્તારમાં આવેલ ફાઇવ સ્ટાર હૉસ્પિટલના આઇસીયુની સગવડો કામ ન આવી, ડૉક્ટરોની મહેનત કારગર ન નિવડી અને સ્વજનોની પ્રાર્થના-આજીજી જાણે બહેરા કાને અથડાઇ. જિંદગીનો આખરી ડચકો મોતના અટ્ટહાસ્યમાં ખોવાઇ ગયો. કોઇને કંઇ અસર ન થઇ.

નીચે ટ્રાફિક એમ જ ધસમસતો આગળ વધતો હતો. દરિયાનાં મોજાં પોતાની રાબેતા મુજબની મસ્તીમાં કિનારા પરના પથ્થરો સાથે અથડાતાં હતાં. અને પાણી બનીને પાછાં ફરી રહ્યાં હતાં, પરંતુ સ્વર્ગસ્થનાં પત્ની દિગ્મૂઢ થઇ ગયાં. આ અણધારી-અકલ્પ્ય આફતથી: હજી પરમ દિવસે તો જલદી સાથે યુરોપ જવાનું ઉત્સાહભેર આયોજન કરતા હતા ને આજે આમ એકલા અનંતની યાત્રાએ નીકળી પડયા!! ન સેવાનો મોકો આપ્યો, ન આવજો-અલવિદાની આપલે થઇ શકે. પતિને જીવનનો પહેલો અને આખરી અન્યાય કરવાનું કારણ આક્રંદ સાથે પૂછવું હતું. મમ્મીને ગળાફાડ રડવું હતું.

એકાએક એમની નજર સામેના સોફામાં ફસડાઇ પડેલી યુવાન દીકરી પર પડી. આ… આ મારી… અમારી કૃતિ છે? એનો તેજ, ઉત્સાહ, કિલ્લોલ કયાં? સતત કલબલાટ કરતી પારેવડી ક્રાઇસિસ મેનેજમેન્ટ એકસપર્ટ છે. ગમે તે મુસીબત હોય, એ હસીને કહે, ‘રિલેક્સ, કૃતિ છે ને! પણ વહાલસોયા પપ્પાને આમ અચાનક કાયમ માટે ખોઇ બેસીને એ જાણે સૂધબૂધ ગુમાવી બેઠી છે.

ના, ના. આવું ન ચાલે. એના પપ્પા નારાજ થાય. મને ઠપકો આપે. આવા વિચારો સાથે મમ્મીએ ઓઢણીના છેડાથી ભીની આંખો લૂછીને પછી બન્ને હાથ ચહેરા પર ફેરવ્યા. જાણે સ્વસ્થતાનાં બૂસ્ટર ડૉઝ મળી ગયો હોય એમ તેઓ ઊભાં થયાં. કૃતિની બાજુમાં જઇને બેઠાં, બે પળ બાદ એનો હાથ પોતાના હાથમાં લીધો. કૃતિએ ન સામે જોયું, ન જરાય પ્રતિભાવ આપ્યો.

મમ્મી હળવે અવાજે બોલ્યાં. ‘હૂં ખૂબ મંઝાઇ ગઇ, તો તારા પપ્પાનો અવાજ કાને પડઘાયો કે ફિકર ન કર, કૃતિ છે ને.’ કૃતિએ મમ્મી સામે જોયું. એમને ગળે વળગીને રડવા માંડી. મમ્મી કંઇન બોલ્યાં. ચૂપચાપ પીઠ પર હાથ ફેરવતાં રહ્યાં. થોડીવારમાં કૃતિ અળગી થઇ. ‘સૉરી, મમ્મી હવે મારું ધ્યાન રાખવાની જવાબદારી મારી. તને નથી ખબર પણ પપ્પા અનેકવાર મને કહેતા કે મારી ગેરહાજરીમાં તારી મમ્મીની મને જરાય ફિકર નથી.

કૃતિ અમારો સવાયો દીકરો છે. એ મમ્મીને કયારેય તકલીફ પડવા નહીં દે.’ અને મમ્મી તને ખબર છે કે પપ્પા કાયમ પહેલા જવા માંગતા હતા. તારા સિવાય જીવવાની તેઓ કલ્પનાય કરી શકતા નહોતા.

હવે મમ્મી દીકરીના હાથમાં મોઢું મૂકીને હિબકે હિબકે રડવા માંડયાં. એકાદ મિનિટ બાદ કૃતિએ મમ્મીને રોકી. જો કોઇ નજીકનાં સગાં અહીં નથી. બધી વ્યવસ્થા આપણે જ કરવાની છે. થોડા ઘણાં જે છે એમને અંતિમવિધિનો સમય અને સ્થળ જણાવી દઇશું, બરાબરને?

‘મને કંઇ સૂઝતું નથી. તને જે ઠીક લાગે એ કર,’ મમ્મી એટલું માંડ બોલી શકી. ને પોતાના શૂન્યાવકાશમાં ગરકાવ થઇ ગયાં. કૃતિ ઊભી થઇ. આઇસીયુના દરવાજામાં લાગેલા નાનકડા પારદર્શક કાચમાંથી પપ્પાના પાર્થિવ દેહને જોયો. આંખમાં ફરી ધસી આવતાં આંસુના ઘોડાપુરને માંડ માંડ રોકીને એ દોડીને સોફા પર બેસી ગઇ.

બે મિનિટ ચૂપ બેઠા બાદ તેણે મોબાઇલ ફોન હાથમાં લીધો. સર્ચ પણ લખ્યું: ‘ફયુનરલ્સ સર્વિસ નિયર મી.’ ધડાધડ રિઝલ્ટ આવી ગયાં. પહેલી જ દેખાઇ: મોક્ષ અંતિમવિધિ સેવા, એના નંબર પર કૃતિએ ફોન લગાવ્યો. સામેથી ફોન ઉપાડાતા તેણે પૂછયું. અંતિમવિધિ માટે કઇ કઇ સેવા આપો છો?

સામેથી વળતો સવાલ પૂછાયો, ‘મેડમ, કોણ ગુજરી ગયું છે?’

‘મારા પપ્પા.’
એકદમ સહાનુભૂતિભર્યો જવાબ મળ્યો. સૉરી અમારી દિલસોજી આપની સાથે છે. અમે સ્મશાનમાં સમય લઇ આવીશું. પંડિતજીની વ્યવસ્થા થઇ જશે અને આપના સંબંધીઓને જાણ કરતો મેસેજ પણ બનાવીને આપીશું. આપે અખબારમાં નોંધ કે જાહેરખબર આપવી હશે તો એ પણ થઇ જશે. આપ કોઇ જાતની ફિકર ન કરશો.

કૃતિ હળવેથી બોલી, ‘થૅન્ક યુ.’
‘મેડમ, હું આપને એક લિન્ક મોકલું છું, એના પર પપ્પાની અને આપની વિગત, ડેથ સર્ટિફિકેટ મોકલી આપો. એડવાન્સ પેટે રૂ. બે હજાર મોકલજો. આપ અમારી સેવા ઇચ્છો છો એના માટે એક ઓટીપી આવશે. એ મારી સાથે શેઅર કરજો. હું ફોન ચાલુ રાખું છું. આપ જોઇ લો…’

કૃતિએ વિગતો ભરી મૃત્યનું પ્રમાણપત્ર અપલોડ કર્યું. બે હજાર રૂપિયા ભર્યા. અને આવેલો ઓટીપી નંબર શેઅર કર્યો. થૅન્ક યુ મેડમ. આપના માટે પંડિતજીની વ્યવસ્થા થઇ ગઇ છે. બીજી કોઇ આવશ્યકતા લાગે તો ગમે ત્યારે ફોન કરી શકે છે. બાકી બધુ હવે અમારા પર છોડી દો. અમે કોઇ કચાશ નહીં છોડીએ. ફરી મારી સાંત્વના સ્વીકારજો પ્લીઝ.

કૃતિને એકદમ નિરાંત થઇ. એ જઇને મમ્મીની બાજુમાં બેસી. મમ્મીને ગર્વ થયો. દીકરીની સ્વસ્થતા અને કાબેલિયત પર. બન્ને પોતપોતાની રીતે સ્વર્ગસ્થ સાથેના સંભારણાના વિશ્ર્વમાં ડૂબવા લાગ્યાં.

Also Read – કચ્છી ચોવક : શણગારો તો બાવળ પણ શોભે!

ત્યાં જ કૃતિના ફોનમાં એસ.એમ.એસ. આવ્યાની નોટિફિકેશન રિંગ વાગી. મેસેજ બૅન્કનો હતો. આપના ખાતામાંથી ચાર લાખ રૂપિયા ઉપાડાયા છે. કૃતિ આશ્ર્ચર્યચક્તિ થઇ ગઇ. હજી હૉસ્પિટલનું પેમેન્ટ કર્યું નથી તો આ શેનો મેસેજ? ત્યાં જ ફરી નોટિફિકેશનની બીજી રિંગ સંભળાઇ. જોયું તો ફરી બૅન્કનો મેસેજ. આપના ખાતામાંથી 2.50 લાખ રૂપિયા. કૃતિનું મગજ બહેર મારી ગયું. ત્યાં ત્રીજો મેસેજ આવ્યો. આપના ખાતામાં રૂ. 5302નું બેલેન્સ છે.

અચાનક કંઇક સમજાતા તેણે મોક્ષ અંતિમવિધિ સેવાનો નંબર ફરી જોડયો, તો એ નંબર સ્વીચ ઑફ મળ્યો.

ATP(ઑલ ટાઇમ પાસવર્ડ)
યાદ રહે કે ઓનલાઇન ફ્રોડસ્ટરને લાગણી જેવું હોતું નથી. જન્મથી લઇને મોત સુધીના દરેક તબક્કે આ ગીધડા સૉરી, આ પંખીનું અપમાન કરવું નથી, પોતાનું હરામીપણું બતાડતાં જ હોય છે. સાવધ રહો, સ્વસ્થ રહો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button