આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સુરતવાસીઓએ તેમના પ્રિય ઓડિટોરીયમ ગાંધી સ્મૃતિ ભવનના નવનિર્માણ માટે ઝુંબેશ શરુ કરી

સુરતવાસીઓ માટે વર્ષોથી મનોરંજનનું કેન્દ્ર રહેલા ‘ગાંધી સ્મૃતિ ભવન’ ઓડિટોરીયમને તોડી પાડી મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ઓડિટોરીયમ બનવવા વચન આપ્યું હતું. સુરત મહાનગર પાલિકાએ  ઓડિટોરીયમને તોડી તો પડ્યું પણ તેના પુનઃનિર્માણનું વચન હજુ સુધી પાડ્યું નથી. જેને કારણે શહેરના કળા રસિકો અને કલાકારોએ તેમના પ્રિય એવા ‘ગાંધી સ્મૃતિ ભવન’ના નવનિર્માણ માટે ઝુંબેશ શરુ કરી છે.

ઓડિટોરીયમના નવનિર્માણની માંગ પ્રસાશન સુધી પહોંચાડવા માટે રચાયેલી ‘ગાંધી સ્મૃતિ ભવન નવનિર્માણ સમિતિ’એ શહેરની અગ્રણી સંસ્થાઓ, નાગરિકો, નુત્ય, નાટ્ય, સંગીત ક્ષેત્રના કલાકારોને એકજુટ થવા અપીલ કરી હતી. ગુરુવારની સાંજે જુના ગાંધી સ્મૃતિ ભવનની ભૂમિ ઉપર શહેરના અગ્રણી કલાકારો અને કળા રસિકોએ એકઠા થઇ દિપ પ્રગટાવી પોતાની ઝુંબેશનું શરુઆત કરી હતી.

મળતી માહિતી મુજબ આજે શુક્રવારે સમિતિની મિટિંગમાં માંગો સાથેનું આવેદન પત્ર તૈયાર કરવામાં આવશે, રવિવારે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે અને સોમવારે ગાંધી જીના પુતળા પાસે કલાકારો, કળા રસિકો અને નાગરીકો એકઠા થઇને કોર્પોરેશન ઓફિસમાં જઈને આવેદન પત્ર અધિકારીઓને સોંપશે.

મુંબઈ સમાચારે સુરતના જાણીતાં નાટ્ય કલાકર અને ગાંધી સ્મૃતિ ભવન નવનિર્માણ સમિતિના આગેવાન કપિલદેવ શુક્લ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઓડિટોરીયમ તોડી પડાયાના વર્ષો થયા છતાં હજુ સુધી તેના પુનઃનિર્માણ માટે કામ શરુ થયું નથી. અમારે આમારું સંકૃતિક ભવન પાછું જોઈએ છે, એટલી જ માંગ છે. સુરત શહેરમાં નવા ઘણા ઓડિટોરીયમ બન્યા છે પણ ગાંધી સ્મૃતિ ભવન જેવી ઇન્ટિમેટ પરફોર્મન્સ સ્પેસ બની શકી નથી..

તેમણે વધુમાં જણાવ્યું કે અહી જે દિગ્ગજ કલાકારો પરફોર્મન્સ કરી ચુક્યા છે એ પણ કહે છે કે અમદાવાદ કે મુંબઈમાં પણ આવું થીયેટર ન હતું. આટલું સરસ સ્ટેજ, ઉત્તમ સાઉન્ડ અને લાઈટ્સ ડિઝાઈન હોવા છતાં તોડી પાડવામાં આવ્યું. કોર્પોરેશન પાસે અમારી એવી માંગ છે કે જુના ગાંધી સ્મૃતિ ભવનની જે ડિઝાઈન હતી એવી જ ડિઝાઈન સાથે નવું ઓડિટોરીયમ બનવવામાં આવે, હાં એમાં સમય અનુસાર ફેરફાર કરી શકાય.

કપિલદેવ શુક્લએ જણાવ્યું હતું કે લોકો સ્વયંભૂ એકઠા થયા છે. વીર કવિ નર્મદના સમયથી સુરત વાસીઓને શહેરના હિતમાં અધિકારીઓ કે સત્તાધીસો પાસે પોતાનું ધારેલુ કરાવવાની ટેવ છે. આ અમારી અંગત માંગણી નથી આ શહેરીજનો લાગણી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button