Christmas પર શિમલા -મનાલીમાં હિમવર્ષા, પ્રવાસીઓ ફસાયા, ચાર લોકોનાં મોત…
મનાલી : હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે સ્થિતિ વણસી છે. ક્રિસમસ(Christmas)પર હિમવર્ષાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેના કારણે હજારો પ્રવાસીઓ ફસાયા છે. જ્યારે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ કરી રહ્યું છે. આગામી બે દિવસમાં વાહનવ્યવહાર શરૂ થશે. છેલ્લા 12 કલાકમાં 235 રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવ્યો છે.હિમાચલમાં હિમવર્ષાના કારણે ચાર લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : હિમાચલમાં હિમવર્ષાને કારણે 174 રસ્તા બંધ: ખાદ્રાલામાં પડ્યો વધુ બરફ…
350 રસ્તાઓ બ્લોક થયા
હિમવર્ષાના કારણે 3 નેશનલ હાઈવે સહિત 350 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ટૂંક સમયમાં અન્ય 85 રસ્તાઓ પરથી પણ બરફ હટાવવામાં આવશે. રવિવારે અટલ ટનલ પાસે 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.શિમલા, મનાલી અને રાજ્યના અન્ય સ્થળોએથી આવતા પ્રવાસીઓના ધસારાને કારણે મંગળવારે સાંજે કાંગડા શહેરમાં ધર્મશાલા રોડ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કાંગડા જિલ્લાના ધર્મશાલા અને મેકલિયોડગંજ તરફ મોટી સંખ્યામાં પ્રવાસી વાહનો જઈ રહ્યા હતા.
મનાલી બરફની સફેદ ચાદરથી ઢંકાયું
શિમલા, મનાલી, કાંગડા, ધર્મશાલા સહિત હિમાચલ પ્રદેશના લગભગ તમામ સ્થળોએ હિમવર્ષાએ રાજ્યને સફેદ ચાદર ઓઢાડી દીધી છે. કેટલીક જગ્યાએ બધુ જ થીજી ગયું છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પરના બરફના કારણે પ્રવાસીઓના વાહનો અટવાયા છે. હિમાચલ પ્રદેશમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. આ હિમવર્ષાએ મનાલીને બરફની સફેદ ચાદરથી ઢાંકી દીધું હતું. એક તરફ દેશ-વિદેશના પ્રવાસીઓ મનાલી પહોંચી રહ્યા છે, તો બીજી તરફ હિમવર્ષાના કારણે હાઈવે પર પ્રવાસીઓના વાહનો અટવાઈ પડ્યા છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં મોટી દુર્ઘટનાઃ પૂંચમાં આર્મીનું વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા 5 જવાન શહીદ
બે દિવસ સુધી સતત હિમવર્ષા અને વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના સાત જિલ્લામાં આગામી બે દિવસ સુધી સતત હિમવર્ષા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે ક્રિસમસ પર લોકોને ઠંડીથી થોડી રાહત મળી શકે છે. 26મી ડિસેમ્બરની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થશે, જેના કારણે 27 અને 28 ડિસેમ્બરે પર્વતીય વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જેના કારણે હવામાન બગડવાની સંભાવના છે.