‘અલ્લુ અર્જુન અને સરકાર તરફથી મળી રહ્યો છે સહયોગ’, પીડિત બાળકના પિતાએ આપ્યું મોટું નિવેદન
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં સોમવારે જારી કરાયેલા સમન્સ હેઠળ મંગળવારે હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન થયેલી ધક્કામુક્કી અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. હવે પીડિત બાળકના પિતાએ જણાવ્યું છે કે ઘટનાના લગભગ 20 દિવસ પછી તેમનો પુત્ર હોશમાં આવ્યો છે અને તેને અભિનેતા અને સરકાર તરફથી મદદ પણ મળી રહી છે.
ઘાયલ બાળકના પિતા ભાસ્કરે તેમને મળી રહેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમના પુત્રએ 20 દિવસ પછી જવાબ આપ્યો છે. તે ભાનમાં આવ્યો છે. અલ્લુ અર્જુન અને તેલંગાણા સરકાર અમને ટેકો આપી રહી છે અને આર્થિક મદદ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરની ઘટનાએ અલ્લુ અર્જુનને વિવાદોમાં ધકેલી દીધો હતો, 13 ડિસેમ્બરે તેમની ધરપકડ, રવિવારે તેના જ્યુબિલી હિલ્સના ઘરે તોડફોડ અને હવે રાજકીય વિવાદ વચ્ચે હૈદરાબાદ પોલીસ દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું અને અલ્લુ અર્જુનને 23 ડિસેમ્બરે પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. મંગળવારે સવારે 11 વાગ્યા પછી અલ્લુ અર્જુન તેના પિતા અલ્લુ અરવિંદ અને વકીલો સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
Also Read – અલ્લુ અર્જુનને પોલીસે કર્યા આ સવાલોઃ અભિનેતા બરાબરનો ફસાયો
તેમની ત્રણેક કલાક સુધી સઘન પુછપરછ કરવામાં આવી હતી.
આ સમગ્ર વિવાદ 4 ડિસેમ્બરે બનેલી એક ઘટનાથી ઉભો થયો હતો, જ્યારે અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં પુષ્પા 2: ધ રૂલના પ્રીમિયરમાં હાજરી આપી હતી. અભિનેતાની એક ઝલક જોવા માટે એક વિશાળ ભીડ એકઠી થઈ હતી, અને જ્યારે તેણે તેની કારના સનરૂફ પરથી ચાહકોને હાથ લહેરાવ્યો ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ હતી.
તે દરમિયાન થયેલી નાસભાગ અને ધક્કામુક્કીમાં રેવતી નામની મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું અને તેના બાળકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં 50,000 રૂપિયાના બોન્ડ ભર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ફિલ્મના નિર્માતાએ રેવતીના પરિવારને 50 લાખનો ચેક આપ્યો હતો.
આ ઘટનાએ રાજકીય વિવાદને વેગ આપ્યો છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ દુર્ઘટના માટે અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવ્યા છે.