અજબ ગજબની દુનિયાઃ બેવકૂફ બનાયા.. બેવકૂફ બનાયા.. આપને!
હેન્રી શાસ્ત્રી
‘લગ્ન કરવા એ બેવકૂફી છે’ એવો આત્યંતિક અભિપ્રાય કેટલાક પોતાને ડાહ્યા માનતા કુંવારા લોકો આપતા હોય છે. જોકે, કેટલીક બાબતે જગત આખાને બેવકૂફ બનાવવામાં પાવરધા ચીનમાં શિન નામના યુવક સાથે લગ્નના નામે ઠગાઈ કરવામાં આવી છે અને રીતસરનો બેવકૂફ બનાવવામાં આવ્યો છે. વેડિંગ પ્લાનિંગ એજન્સીના માધ્યમથી શિન કોઈ એક શાઓયુ નામની ક્ધયાના પરિચયમાં આવ્યો.
ઓનલાઈન મીટિંગ પછી પરિચય પ્રેમમાં પરિણમ્યો. ગોળધાણા ખવાઈ ગયા અને રૂપાળી ક્ધયાએ ચીનના રિવાજ અનુસાર બ્રાઈડ મની પેટે 22 લાખ રૂપિયા તેમજ પોતાની બહેનોની ગિફ્ટ માટે અને માતુશ્રીના ઓપેરેશન માટે પૈસા માગ્યા. શિનઘેલા કુમારે 55 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી દીધા. જોકે, પ્રત્યક્ષ મુલાકાત સતત ટાળતી રહેલી શાઓયુ આખરે સહ પરિવાર શિનના પરિવારને મળવા તૈયાર થઈ.
મજા તો એ વાતની થઈ કે ઓનલાઈન જે રૂપાળીને જોઈ શિનએ હા પાડી હતી એના કરતાં સાવ જુદી જ ક્ધયા પ્રગટ થઈ. સવાલ થયો તો જવાબ આવ્યો કે ફિલ્ટરનો ઉપયોગ કર્યો હોવાથી અલગ ચહેરો દેખાયો હતો. બંનેના લગ્ન નક્કી થયા અને ક્ધયારાણીએ વધુ પૈસા માગ્યા ડોફા શિનએ આપ્યા સુધ્ધાં. પૈસા મળી ગયા પછી શાઓયુની બહેને ‘લગ્ન નથી કરવા’ કહી બ્રેકઅપની વાત કરી.
હવે શિનને ખ્યાલ આવી ગયો કે દાળ આખી કાળી છે અને તપાસ કરતા ખબર પડી કે અત્યાર સુધી શાઓયુની બહેન જ પૈસા પડાવી રહી હતી. શાઓયુના પરિવારના સભ્યો તરીકે આવેલા લોકો ભાડા પર લવાયેલા એક્ટર હતા અને કૌભાંડમાં સામેલ હતા. પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું કે શિનને બેવકૂફ બનાવી રહેલી ક્ધયા પરિણીત છે અને એને એક બાળક છે. બાળકના ભરણપોષણ માટે એ ફ્રોડ કરી રહી હતી.
ડિવોર્સની ગોલ્ડન જ્યુબિલીએ મેરેજ
સંબંધના છેડા બાંધતા ક્યારેક વરસોના વરસ લાગી જાય, પણ સંબંધના છેડા ફાડતા ક્ષણભરની વાર માંડ લાગતી હોય છે. મોટાભાઈના બેસ્ટ ફ્રેન્ડ રોબર્ટ સાથે પ્રેમ થયા પછી 1951માં લગ્ન કરનારી ફે ગેબલનું લગ્ન જીવન મધુર હતું. ચાર બાળકોનાં માતા – પિતા બન્યા પછી કોનું શું ફટક્યું કે 24 વર્ષના લગ્નજીવન પછી 1975માં તેમના ડિવોર્સ – છૂટાછેડા થઈ ગયા. બંનેએ ફરી મેરેજ કર્યા અને પોતપોતાના નવા જીવનસાથી સાથે અનેક વર્ષ રંગેચંગે રહ્યા. પછી થયું એવું કે રોબર્ટની પત્ની અને ફે ગેબલના પતિનું અવસાન થયું. ત્યારબાદ બંને પારિવારિક પ્રસંગોમાં ફરી એકબીજાને મળવા લાગ્યા અને ગોળ – સાકર ઉમેરી જૂની કડવાશ દૂર કરી દીધી.
1951ની લવ સ્ટોરી 2021માં ફરી ધબકવા લાગી અને તાજેતરમાં બંનેએ ડિવોર્સ પેપરની હોળી કરી એની અગ્નિ સાક્ષીએ પરણી જવાનું નક્કી કર્યું. ગયા રવિવારે 94 વર્ષના મિસ્ટર રોબર્ટની 89 વર્ષની ફે ગેબલ સાથે છેડાછેડી બંધાઈ ત્યારે એમને શુભેચ્છા આપવા 14 પૌત્ર, 14 પ્રપૌત્ર અને પ્રપૌત્રનાં બે બાળકો હાજર હતાં. ડિવોર્સની ગોલ્ડન જ્યુબિલી વખતે મેરેજ, ભાઈ વાહ!
ભાષાને શું વળગે ભૂર, સ્ક્રેબલમાં જીતે એ શૂર
બુદ્ધિશાળી હોય એ સ્માર્ટ હોય એ જરૂરી નથી અને સ્માર્ટ હોય એ બુદ્ધિશાળી હોય એવું લખી નથી દીધું. ન્યુઝીલેન્ડના રહેવાસી (કિવી) નિગલ રિચર્ડ્સની સિદ્ધિ જોયા પછી આ બંને ગુણ એક જ વ્યક્તિમાં હોઈ શકે છે એવું માનવાનું મન થશે. અંગ્રેજી ભાષા પર અદભુત પ્રભુત્વ ધરાવતા આ કિવીકુમાર શબ્દો બનાવવાની જગવિખ્યાત રમત ઈંગ્લિશ સ્ક્રેબલમાં પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તાજેતરમાં સ્પેનિશ ભાષાની સ્ક્રેબલમાં પણ આ મિસ્ટર રિચર્ડ્સ વિશ્ર્વ વિજેતા બન્યો છે અને આંખો પહોળી થઈ જાય એવી વાત એ છે કે ભાઈને સ્પેનીશનો ‘સ’ બોલતા પણ નથી આવડતું…!
એક મિનિટ, 2015 અને 2018માં એ ફ્રેન્ચ સ્ક્રેબલમાં પણ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો અને હા, ત્યારે પણ એને ફ્રેન્ચનો ‘ફ’ બોલતા નથી આવડતું.
કિવી કુમાર જાદુગર છે? છળકપટ કરે છે?
ના, ભાઈ ના. એની યાદશક્તિ ડોલ્ફિનની મેમરીને ટક્કર મારે એવી છે. સ્ક્રેબલની રમતમાં વારંવાર વપરાતા શબ્દો છેલ્લા એક વર્ષથી નિગલે યાદ રાખવાનું શરૂ કર્યું હતું અને ‘તૈયારી પૂરી’ થયા પછી માત્ર યાદશક્તિના જોરે ચેમ્પિયન બની ગયો છે. આને શું કહેવું ?અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું..!
ક્ધયા પોઝ આપે, સાવધાન!
લગ્ન પ્રસંગે આવતા મહેમાનોને લગ્નની વિધિ કે મંડપ સજાવટ કરતા ભોજનમાં શું છે એમાં વધુ રુચિ હોય એ આજના સમયની વાસ્તવિકતા છે. અલબત્ત, જૂજ લોકો એવા હોય છે ખરા જે ગોર મહારાજ કઈ અને કેવી વિધિ કરાવે છે એનું ઝીણવટથી નિરીક્ષણ કરતા હોય છે. ‘ક્ધયા પધરાવો, સાવધાન!’ એ લગ્ન વિધિની ઉચ્ચતમ ક્ષણ માનવામાં આવે છે. જોકે, બદલાતી વેડિંગ સ્ટાઈલમાં ગોરનું મહત્ત્વ ઘટી ગયું છે અને ફોટોગ્રાફરનું મહત્ત્વ વધી રહ્યું છે. ગોર અને ફોટોગ્રાફર બંને ક્ધયાને સરખો ‘ભાવ આપતા’ હોવા છતાં ક્ધયાને ફોટોગ્રાફર માટે પક્ષપાત હોય છે. ગોરે સૂચવેલી વિધિ કરવા કરતાં ક્ધયામાં વધુ સજાગતા ફોટોગ્રાફરના આદેશ પાલનમાં જોવા મળે છે.
‘ક્ધયા પોઝ આપે, સાવધાન’ ઉચ્ચારણ સામે અન્ય બધી બાબત ગૌણ ગણાય છે. સ્ટેજ પર આવતી દરેકે દરેક વ્યક્તિ ફોટોગ્રાફર ‘બોસ’ના આદેશનું અક્ષરસ: પાલન મલકાતાં મોઢે કરે છે. ટૂંકમાં ફોકસ ગોરની વિધિથી ફંટાઈને ફોટોગ્રાફરના કેમેરાના ફોકસ પર આવી ગયું છે. લગ્ન પ્રસંગે ગોર નહીં ફોટોગ્રાફરની પસંદગીને પ્રાધાન્ય એ હદે મળી રહ્યું છે કે ‘ગોર ભગાવો, સાવધાન’ એ દિવસ તો જોવો નહીં પડે ને એનો કલ્પિત ભય ગોર મહારાજાઓને ઘેરી વળ્યો છે. એનો ઉકેલ લાવવા યુપીમાં ગોર મહારાજાઓની સમિતિ બનાવવામાં આવી છે.
લ્યો કરો વાત!
આગામી રવિવારે ચીનના જિલિન નામના પ્રાંતમાં આઈસ એન્ડ સ્નો હાફ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે સ્પર્ધા કરતાં લોકોમાં વિજેતાઓને આપવામાં આવનારા ઈનામો અચરજનો વિષય બન્યા છે. સ્પર્ધામાં વિનિંગ લાઈન ઓળંગી જનારા પ્રથમ વિજેતાને બક્ષિસમાં એક ગાય આપવામાં આવશે. અન્ય વિજેતાઓને માછલી, હંસ કે પછી મરઘાં આપવામાં આવશે. વિજેતા ગાયની બદલીમાં રોકડ રકમની ઈચ્છા વ્યક્ત કરશે તો 6 હજાર યુઆન (આશરે 70 હજાર રૂપિયા) રોકડા દેવામાં આવશે. ત્રીજા સ્થાન પછી અંતર પૂરું કરનારા દોડવીરોને10 કિલો ચોખા અને ઘઉંની થેલીઓ પકડાવી દેવામાં આવશે. આ જાહેરાત ચીનના સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.