ભાગવત સંઘના સ્થાપક ખરા, હિન્દુ ધર્મના નહીં: સ્વામી રામભદ્રાચાર્ય
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે સ્વામી રામભદ્રાચાર્યએ ફેરવી તોળ્યું છે. તેમણે કહ્યું છે કે આ તેમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. તેઓ સંઘના સ્થાપક હોઈ શકે છે, પરંતુ હિન્દુ ધર્મના નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અધ્યક્ષ મોહન ભાગવતે કહ્યું છે કે મંદિર – મસ્જિદનો મુદ્દો કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે, જેથી તેઓ પોતાને હિન્દુઓના નેતા તરીકે સ્થાપિત કરી શકે. ખાસ કરીને રામ મંદિરના સંદર્ભમાં આવું વિશેષરૂપે જોવા મળી રહ્યું છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના આ નિવેદન વિશે મીડિયા સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું હતું કે ‘તેમનું નિવેદન વ્યક્તિગત હોઈ શકે છે, અમારે તેની સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે અમે તેમના નિયંત્રણ હેઠળ નથી. તેઓ સંઘના સ્થાપક હોઈ શકે છે, પરંતુ હિન્દુ ધર્મના નહીં. અમારું ધ્યાન હંમેશાં ધર્મની શિસ્ત અને સત્ય પર હોય છે. જ્યાં પણ હિન્દુ ધર્મના અધિકૃત સ્થળ હશે, ત્યાં અમારી હાજરી હશે.’
આ પણ વાંચો: રામમંદિર માટે દલીલ કરનાર આ સ્વામીએ કહ્યું કે અમે અખંડ ભારત ઈચ્છીએ છીએ….
વધુમાં મહારાજે એમ પણ જણાવ્યું હતું કે ‘જ્યાં પણ પ્રાચીન મંદિરોના પુરાવા ઉપલબ્ધ છે, અમે તેમને પુન:સ્થાપિત કરવાના પ્રયત્નો કરીશું. આ કંઈ અમારો નવો વિચાર નથી, પરંતુ સત્ય પર આધારિત આપણી સંસ્કૃતિ અને ધર્મની જાળવણી છે. હિન્દુઓ સંગઠિત હોવા જોઈએ, તેમનું ધ્રુવીકરણ ન થવું જોઈએ. પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સરકાર પગલાં લઈ રહી છે, પરંતુ હવે વધુ કડક કદમ ઉઠાવવા જોઈએ. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કડક વલણ અપનાવવા કહીશ.’
મુંબઈના કાંદિવલીના ઠાકુર વિલેજમાં એક ભવ્ય રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રસિદ્ધ સંત સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ સાત દિવસ કથાનું વર્ણન કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે તેવી સંભાવના છે. કાંદિવલી ઠાકુર વિલેજમાં રામ કથાનું આયોજન કરવાનો હેતુ માત્ર ધર્મનો પ્રચાર કરવાનો છે.