અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનારા 2 ગઠિયા પકડાયાં…
અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે લોકોનાં ભારે રોષ વ્યાપ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા. જ્યારે હવે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી છે.
2 આરોપીની ધરપકડ
ખોખરાની આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. પોલીસસે જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે 200 જેટલા લોકોની શંકાના આધારે પૂછપરછ કરી હતી. આ બનાવ અંગે 5 અજાણ્યા લોકો વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ
જુની અદાવતમાં કર્યું કૃત્ય
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચને બે આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા જે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અસલાલીથી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. હાલ પ્રાથમિક માહિતી અનુસાર જુની અદાવતમાં મૂર્તિ ખંડિત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો.
આજે ધરણાં યથાવત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને અમુક અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું, જેને લઈને ખૂબ જ રોષ વ્યાપ્યો છે. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા.