અજિત પવારે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને કહ્યું બેદરકારી નહીં ચલાવી લેવાય…
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે મંત્રાલયમાં બે વિભાગ સહિત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને નાણાં, આયોજન અને આબકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રધાનોને ખાતાની ફાળવણી થતાં જ કાર્યરત થયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વરિષ્ઠ અધિકારીઓને કરવેરાની વસૂલાત અને મહેસૂલ સર્જનની પ્રક્રિયાને સુધારી એમાં એકસૂત્રતા લાવી “પરિણામલક્ષી” કામ કરવાની સૂચના આપી હતી.
અધિકારીઓની કાર્યશૈલી પારદર્શી હોવી જોઈએ એવો ઉલ્લેખ કરી તેમણે ચેતવણી પણ આપી હતી કે કરચોરી અટકાવવા માટે ફરજમાં બેદરકારી ચલાવી નહીં લેવાય. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે મંત્રાલયના પોતાના કમિટી રૂમમાં નાણાં અને આયોજન વિભાગ સહિત રાજ્યના આબકારી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગોની વિગતવાર સમીક્ષા કરી હતી.
આપણ વાંચો: બધા ફડણવીસ-શિંદેમાં બિઝી છે ત્યાં અજિત પવારે કરી નાખ્યો ખેલ…
નાણાં અને આયોજન રાજ્ય પ્રધાન આશિષ જયસ્વાલ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ઓમપ્રકાશ ગુપ્તા, રાજ્ય આબકારી વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય સેઠી, રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના રાજ્ય કમિશનર આશિષ શર્મા, નાણાં વિભાગના સચિવ (નાણાકીય સુધારા) શૈલજા એ., ખાતાના સચિવ અને ટ્રેઝરી વિભાગના સચિવ ડો. રામસ્વામી એન., ડેપ્યુટી કમિશનર સુભાષ બોડખે, ડેપ્યુટી કમિશનર શંકર જગતાપ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પડતર યોજનાઓ, જરૂરી ભંડોળ તેમજ રાજ્યની આવકની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન રાજ્યમાં મહેસૂલ સુધારણા, કૃષિ વિકાસ, ઔદ્યોગિક રોકાણ અને રોજગાર સર્જન જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આપણ વાંચો: બધા ફડણવીસ-શિંદેમાં બિઝી છે ત્યાં અજિત પવારે કરી નાખ્યો ખેલ…
તેમણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે નાણાકીય યોજનાઓ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને રાજ્યની આવકમાં વધારો કરવા ગેરરીતિઓ અટકાવવા સૂચના આપી હતી. કર વસૂલાતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
જોકે, તેમણે અધિકારીઓને કામમાં બેદરકારી નહીં ચલાવી લેવાય એમ જણાવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યના આબકારી વિભાગની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યમાં ગેરકાયદે દારૂના વેચાણ પર કડક નિયંત્રણો લાદવા માટે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવા નિર્દેશ આપ્યો હતો.