શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં આજે સાંજે મોટી દુર્ઘટના ઘટી છે. જિલ્લાના મેંઢર પ્રાંતના બલનોઈ વિસ્તારમાં આર્મીનું વાહન રસ્તો ભૂલી જવાને કારણે ખાઈમાં પડ્યું. 300 ફૂટ ઊંડી ખાઈમાં વાહન ખાબકવાને કારણે પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે અનેક જવાનોને ગંભીર ઈજા પહોંચી હોવાનું આર્મીએ જણાવ્યું છે.
આ દુર્ઘટનાની જાણ થયા પછી તાત્કાલિક ઘટનાસ્થળે આર્મીના અધિકારીઓ પહોંચ્યા હતા. આર્મીના જવાનોની સાથે સાથે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં અનેક સૈનિકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઈજાગ્રસ્તો જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…
આર્મીના વાહનમાં આઠથી નવ જવાન સવાર હતા, જેમાં પાંચ જવાનનાં અકસ્માતનો શિકાર બન્યા છે. નીલમ હેડ ક્વાર્ટર સ્થિત બલનોઈ ઘોરો પોસ્ટ વાહન જઈ રહ્યું હતું ત્યારે ઘોરા પોસ્ટ ખાતે અકસ્માત થયો હતો. આર્મીનું વાહન લગભગ 300 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું હતું. આ બનાવની જાણ થયા પછી ક્યુઆરટી ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઈન્ડિયન આર્મીના વ્હાઈટ નાઈટ કોરે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે પૂંચ સેક્ટરમાં ઓપરેશન ડ્યૂટી વખતે એક વાહન દુર્ઘટનામાં પાંચ બહાદુર જવાન શહીદ થયા છે, જેના અંગે સંવેદના વ્યક્ત કરે છે.
અહીં એ જણાવવાનું કે ગયા મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અકસ્માતમાં આર્મીનો જવાન શહીદ થયો હતો. ચોથી નવેમ્બરે કાલાકોટના બડોગ ગામ નજીક બની હતી, જેમાં આર્મીના જવાન બદ્રી લાલ અને સિપાઈ જયપ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા.