દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો હતો. ટુનામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. પ્રથમ મેચ કરાંચીમાં ન્યૂ ઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે નવ માર્ચના રોજ ફાઇનલ મેચ રમાશે.
સૌથી મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે, જેની માંગ બીસીસીઆઈ પહેલાથી જ કરી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના મનસૂબા પર ICC એ ફેરવ્યું પાણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી PoK નહીં જ જાય!
હાઈબ્રિડે મોડલના આધારે રમાશે ટુર્નામેન્ટ
ભારત સરકારે આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી ન હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવા જઈ રહ્યું હતું. જેના કારણે બીસીસીઆઇએ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માંગ કરી હતી. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. જેના કારણે ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કરવામાં લગભગ એક મહિનાનો વિલંબ થયો હતો. હવે હાઇબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટ રમવા માટે સંમત થયા બાદ આઇસીસીએ શિડ્યૂલને મંજૂરી આપી દીધી છે.
આઠ ટીમ વચ્ચે કુલ પંદર મેચ રમાડવામાં આવશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-એમાં છે. તેમની સાથે બાકીની બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. તમામ મેચો ડે-નાઇટ રહેશે.
એક નજર કરોઃ ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ
- 19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, કરાંચી
- 20 ફેબ્રુઆરી- ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, દુબઈ
- 21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાંચી
- 22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર
- 23 ફેબ્રુઆરી-પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
- 24 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી
- 25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી.
- 26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર.
- 27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી.
- 28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર.
- 1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કરાંચી.
- 2 માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ.
- 4 માર્ચ- સેમિફાઇનલ- 1, દુબઈ
- 5 માર્ચ-સેમિફાઇનલ- 2, લાહોર
- 9 માર્ચ- ફાઈનલ- લાહોર/દુબઈ.