ગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત થયા પાંચ જેટલા કરાર

ગાંધીનગર: ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી.

કયા પાંચ કરારોનો સમાવેશ?
ગુજરાત અને જાપાન વચ્ચે જે કરાર કરવામાં આવ્યા છે તેમાં શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે આપસી સરકાર માટેની દરખાસ્ત, વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે MOU, સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે MOUનો સમાવેશ થાય છે.

ગુજરાતને ઓટો હબ બનાવવામાં જાપાની કંપનીઓનું યોગદાન
આ અંગે વાત કરતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોટિવ, સિરામિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના મોટા ઉધોગો ધરાવતું રાજ્ય છે. બીજી બાજુ, શિઝુઓકા પ્રોડક્શન સેક્ટર પણ ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રી માટે જાણીતું છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ સાથો સાથ ‘ઓટો હબ’ બન્યું છે તેમાં જાપાનીઝ કંપનીઓ સૂઝૂકી મોટર્સ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ, મિત્સુબિશી, ટોયોટાનું યોગદાન ખૂબ જ અગત્યનું છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્ય પ્રધાને જાપાનની બૂલેટ ટ્રેનની સફર માણી

જાપાની કંપનીઓ માટે ગુજરાત સેકન્ડ હોમ
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જાપાની કંપનીઓ માટે ગુજરાત સેકન્ડ હોમ છે. માંડલમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. જાપાને શરૂઆતમાં પાંચ કંપનીઓ શરૂ કરી હતી આજે ગુજરાતમાં લગભગ 350થી વધુ જાપાનીઝ સંસ્થાઓ તથા કંપનીઓ કાર્યરત છે. ઇમરજિંગ સેક્ટર એવા ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમી કંડકટરમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે.

ગુજરાત ભારતનાં આર્થિક વિકાસનો આધાર
શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નર સુઝુકી યાસુતોમોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દાયકાથી જાપાનના ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સંબંધ ગાઢ રહ્યા છે. ગુજરાત આજે ભારતના આર્થિક વિકાસનો આધાર બન્યું છે. ગુજરાતની ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમના પરિણામે આજે સુઝુકી જેવી જાપાનની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. એટલા માટે જ, જાપાન અને શિઝુઓકા માટે ગુજરાતમાં રોકાણ માટેનો પાયો ખૂબ જ સંગીન છે.

ભૂપેન્દ્ર પટેલને જાપાનની મુલાકાતનું નિમંત્રણ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત ભારતનું સ્ટાર્ટઅપ હબ છે અને ગુજરાત રાજ્યમાં ભારતના આર્થિક વિકાસને વેગ આપવાની અનન્ય ક્ષમતા રહેલી છે. તેમાં સહયોગ આપવા ભવિષ્યમાં જાપાનની અનેક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. આ મૈત્રી કરારથી ઔદ્યોગિક વિકાસ ઉપરાંત બંને પ્રાંતના પ્રવાસન ક્ષેત્રને પણ ખૂબ જ વેગ મળશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરીને યાસુતોમોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શિઝુઓકા-જાપાનની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button