મુંબઈઃ ભારતીય સમાંતર સિનેમાના ‘પિતામહ’ તરીકે ઓળખાતા શ્યામ બેનેગલે ૨૩ ડિસેમ્બરે ૯૦ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત વિવિધ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ કિડનીની સમસ્યાથી પણ પરેશાન હતા. ગઈકાલે શ્યામ બેનેગલના નિધનથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
આજે નિર્દેશકના અંતિમસંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. આ દુખની ઘડીમાં તેમના પરિવાર દીકરી નીરા અને પિયા બેનેગલ સાથે અન્ય જાણીતા કલાકારોએ સ્મશાનગૃહમાં હાજર રહ્યા હતા.
શબાના આઝમીએ મંગળવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફિલ્મ નિર્માતાના અંતિમસંસ્કાર વિશેની માહિતી શેર કરી હતી. શ્યામ બેનેગલની પુત્રીઓ નીરા અને પિયા બેનેગલ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહ્યા મુજબ શિવાજી પાર્ક ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં બપોરે ૨ વાગ્યે અંતિમસંસ્કાર શરૂ થયા હતા. હવે અંતિમસંસ્કાર પહેલાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
એક વીડિયોમાં અભિનેતા નસીરુદ્દીન શાહ શ્યામ બેનેગલને અંતિમ વિદાય આપતી વખતે એકદમ ભાવુક જોવા મળ્યા હતા. તેમની સાથે સાથે ગુલઝાર, જાવેદ અખ્તર, કુલભૂષણ ખરબંદા, અનંગ દેસાઈ, રજત કપૂર, રત્ના પાઠક શાહ, કુણાલ કપૂર, શ્રેયસ તલપડે જેવા ઘણા મોટા સ્ટાર્સ તેમની નજીકમાં ઉભા છે. તેમને અંતિમ વિદાય આપવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ આવી પહોંચી હતી.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત મહાનુભાવોએ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપી
તમને જણાવી દઈએ કે, શ્યામ બેનેગલ ૧૪ ડિસેમ્બરે ૯૦ વર્ષના થયા હતા. આ ખાસ અવસર પર તેમણે પોતાના નજીકના મિત્રો અને ફિલ્મ જગતના સહકર્મીઓ સાથે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. શબાના આઝમી પણ આ પ્રસંગે હાજર હતી. આ સેલિબ્રેશનની તસવીરો વાયરલ થઈ હતી અને તેની ખૂબ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: અલવિદાઃ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલનું 90 વર્ષે નિધન…
શ્યામ બેનેગલે વર્ષ ૧૯૭૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંકુર’થી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. તેમની પહેલી જ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા, વિવેચનાત્મક પ્રશંસા અને ઘણા પુરસ્કારો પણ જીત્યા. ત્યારબાદ તેમની બીજી ઘણી ફિલ્મો પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી, જેમાં ‘મંથન’, ‘ભૂમિકા’, ‘માર્કેટ પ્લેસ’, ‘જુનૂન’, ‘ઝુબૈદા’, ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘સરદારી બેગમ’નો સમાવેશ થાય છે. આ બધી ફિલ્મોમાં તેમણે જટિલ સામાજિક મુદ્દાઓને હિંમતપૂર્વક ઉઠાવ્યા હતા.
શ્યામ બેનેગલને તેમના અદભૂત દિગ્દર્શન માટે ૧૮ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. બેનેગલને વર્ષ ૧૯૭૬માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૯૧ માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૫માં તેમને સર્વોચ્ચ ફિલ્મ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.