કાંદિવલીના બિઝનેસમૅન સાથે 7.50 કરોડનું સાયબર ફ્રોડ: પોલીસે 4.65 કરોડ બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિમ સ્વાઈપ કરીને કાંદિવલીના બિઝનેસમૅન સાથે 7.50 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. જોકે સાયબર પોલીસે તાત્કાલિક પગલાં લઈ વેપારીના 4.65 કરોડ રૂપિયા બૅન્ક ખાતામાં જ હોલ્ડ કરી બચાવી લેવાયા હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીની ખાનગી કંપનીના માલિક સાથે સોમવારે કથિત સાયબર ફ્રોડ થયું હતું.
બિઝનેસમૅનનું સિમ સ્વાઈપ કરીને સિમ કાર્ડ સંબંધી બધી માહિતી હૅક કરવામાં આવી હતી. ગેરકાયદે ઘૂસણખોરીથી સાયબર ઠગે ફરિયાદીની કંપનીના બૅન્ક ખાતાની વિગતો પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચો : નવી મુંબઈ-થાણે ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશી પકડાયા…
ફરિયાદીના બૅન્ક ખાતામાંથી 7.50 કરોડ રૂપિયા વિવિધ બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનો બાબતે ઈ-મેઈલથી માહિતી મળતાં ફરિયાદીએ તાત્કાલિક સાયબર પોલીસના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો હતો.
સાયબર હેલ્પલાઈન સેલના અધિકારીઓએ ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત બૅન્કના નોડલ અધિકારીનો સંપર્ક સાધી નાણાં ખાતામાં જ હોલ્ડ કરવાની સૂચના આપી હતી. આ રીતે ફરિયાદીના 4.65 કરોડ રૂપિયા બચાવી લેવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.