ફરી રાજસ્થાનમાં બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી ફસાઈ: બચાવ કામગીરી ચાલુ…
જયપુરઃ રાજસ્થાનના કોટપુતલી-બહેરોર જિલ્લામાં ૭૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી ૨૦ કલાકથી વધુ સમયથી ફસાયી છે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : Sheikh Hasina બાંગ્લાદેશ પરત ફરે તો શું થાય ? જાણો શું કહે છે બાંગ્લાદેશના કાયદાઓ
કોટપુતલી-બહેરોર જિલ્લામાં ચેતના નામની બાળકી તેના પિતાના ખેતરમાં રમી રહી હતી ત્યારે તે અકસ્માતે તેનો પગ લપસતાં તે બોરવેલમાં પડી ગઈ હતી. તે લગભગ ૧૫૦ ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ છે અને કેમેરા દ્વારા તેની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ઓક્સિજન સપ્લાય કરવા માટે બોરવેલમાં ઓક્સિજન પાઈપ નીચે ઉતારવામાં આવી છે.
અધિકારીઓએ પહેલા ખોદવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની આસપાસની માટી ભેજને કારણે ભીની થઇ ગઈ હોવાથી એમાં મુશ્કેલી આવી રહી હતી. તેઓ હવે સળિયા સાથે જોડાયેલા હૂકની મદદથી બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા સમયમાં તેને બચાવી લેવામાં આવે તેવી અપેક્ષા છે.
બે અઠવાડિયા પહેલા આવી જ એક ઘટનામાં રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક પાંચ વર્ષનો છોકરો મેદાનમાં રમતા રમતા ૧૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. ૫૬ કલાકના ઓપરેશન બાદ આર્યન નામના છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં લઇ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Farmers Protest: ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની હાલત ગંભીર, ડોકટરોએ સરકારને ચેતવ્યા…
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ગયા અઠવાડિયે રાજસ્થાન સરકાર અને પોલીસને આ દુ:ખદ ઘટના અંગે નોટિસ જારી કરી હતી. નોટિસમાં બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. કમિશને જણાવ્યું હતું કે રિપોર્ટમાં મામલામાં નોંધાયેલી એફઆઈઆરની સ્થિતિ, જવાબદાર જાહેર સત્તાવાળાઓ સામે લેવાયેલી કાર્યવાહી અને પીડિતાના પરિવારને વળતરનો સમાવેશ થાય છે.