અલ્લુ અર્જુનને પોલીસે કર્યા આ સવાલોઃ અભિનેતા બરાબરનો ફસાયો
હૈદરાબાદઃ નસીબની બલિહારી કહો કે કર્મના ફળ પરંતુ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ખૂબ જ વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ તેની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ રેકોર્ડ્સ બનાવી રહી છે જ્યાપે બીજી બાજુ આ ફિલ્મ જ તેની માટે મુશ્કેલી લાવી છે અને આ મુશ્કેલી બહુ ઝડપથી હલ થાય તેમ લાગી રહ્યું નથી.
હૈદરાબાદની સંધ્યા ટોકિસમાં થયેલી ધક્કામુક્કી અને મહિલાના મોતનો કેસ અલ્લુનો પીછો છોડી રહ્યો નથી. આજે પણ અલ્લુને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જુનને ઘટનાના દિવસ અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસનો દાવો છે કે થિયેટરના સંચાલકોને અલ્લુને બોલાવવાની પરવાનગી લેખિતમાં નકારવામાં આવી હતી ત્યારે પોલીસે અલ્લુને આ અંગે પૂછ્યું હતું કે શું તેને ખબર હતી કે થિયેટરને પરવાનગી આપવામાં આવી ન હતી. આ સાથે એમ પણ કહેવાય છે કે ધક્કામુક્કી અને મહિલાના મોત અંગે જાણ કરવા છતાં અલ્લુ જગ્યા પરથી ખસ્યો ન હતો આ અંગે પણ પૂછવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અલ્લુ અર્જુની મુશ્કેલીઓ વધી; પોલીસે બીજી નોટિસ મોકલી, આજે પૂછપરછ માટે સમન્સ
આ સાથે પોલીસે એ વ્યક્તિનું નામ પણ જાહેર કરવા જણાવ્યું હતું જેણે પોલીસની મનાઈ કરવા છતાં અલ્લુને થિયેટરના પ્રિમાઈસિસમાં આવવા કહ્યું હતું. આ સાથે અલ્લુ કેટલા બાઉન્સર સાથે આવ્યો હતો તે પણ પૂછવામાં આવ્યું હતું. આ પૂછપરછ બાદ અલ્લુ પોલીસ સ્ટેશન છોડી નીકળ્યો હતો.
પોલીસે અલ્લુ, તેની સિક્યોરિટી ટીમ, થિયેટરના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસના કહેવા અનુસાર થિયેટરના પ્રિમાઈસિસમાં એટલી જગ્યા ન હતી કે ભીડ નિયંત્રિત કરી શકાય. આ સાથે ભીડ થતા અલ્લુને ત્યાંથી નીકળવા કહ્યું, પરંતુ અભિનેતા હટ્યો નહીં અને તેણે પોતાની કારના સનરૂફથી લોકોનું અભિવાદન ઝીલવાની કોશિશ કરી, જેમાં ડીસીપીએ હસ્તક્ષેપ કરવો પડ્યો.
જોકે આ બધા વચ્ચે મહિલા અને તેનાં સંતાનની હાલત બગડી. મહિલા સ્થળ પર મૃત્યુ પામી અને બાળક બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો છે.