મહારાષ્ટ્રમાં ‘મતદાર યાદી’ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવતા ચૂંટણી પંચે આપ્યા જવાબ, શું કહ્યું?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે કેન્દ્ર સરકારની સાથે સાથે ચૂંટણી પંચ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ફાયદો કરાવવા માટે જુલાઇથી નવેમ્બર સુધીમાં હજારો મતદારો નવા ઉમેરવામાં આવ્યા હોવાના આક્ષેપો કૉંગ્રેસે કર્યા હતા. હવે કેન્દ્રીય ચૂંટણી પંચે તેમના બધા આક્ષેપોનો જવાબ આપ્યો છે.
ચૂંટણી પંચે દરેક સીટની તપાસ કર્યા બાદ કોંગ્રેસને 66 પાનાનો વિગતવાર જવાબ મોકલ્યો છે અને તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે મહારાષ્ટ્રની દરેક વિધાનસભા સીટ માટે સંબંધિત પાર્ટી પાસેથી માગવામાં આવેલા ડેટા અને ફોર્મ-20 મહારાષ્ટ્ર ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચ પારદર્શિતાથી આટલું કેમ ડરે છે? જયરામ રમેશે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
કૉંગ્રેસે ચૂંટણી પંચ પર એવો આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રમાં યોજાયેલી લોકસભા-વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી 80 હજાર 391 મતદારના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. આનો જવાબ આપતા ચૂંટણી પંચે કૉંગ્રેસને જણાવ્યું છે કે જે પણ નામો કાઢી નાખવામાં આવ્યા છે તેની માટે પણ બધા નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
નોટિસ જારી કરવામાં આવી છે અને ફિલ્ડ સર્વે પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં મતદાનાઓના મૃત્યુ થયા છે અથવા તો તેમના સરનામા બદલાઇ ગયા છે. આ બધી માહિતી મેળવ્યા બાદ જ મતદાતાઓના નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે અનેક ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે રાજકીય પક્ષો/ઉમેદવારોની અર્થપૂર્ણ ભાગીદારી એ ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય આધારસ્તંભ છે. નોંધનીય છે કે તાજેતરમાં જ કૉંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સબંધિત ફરિયાદો લઇને ચૂંટણી પંચને મળ્યું હતું અને તેમણે ચૂંટણી પંચ પાસે ઘણી વિગતો જાણવા માગી હતી.