હવે બિહારમાંથી પકડાયું એક કરોડ રૂપિયાનું ચાઈનીઝ લસણ
પટણાઃ ગુજરાતમાં ચાઈનીઝ લસણ પકડાયા પછી હવે બિહારમાંથી ચાઈનીઝ લસણ પકડાવવાને કારણે પ્રશાસન હરકતમાં આવી ગયું છે. તાજેતરમાં બિહાર પોલીસે પૂર્ણિયામાંથી અંદાજે રૂ. 1 કરોડ રૂપિયાનું ચાઇનીઝ લસણ જપ્ત કર્યું છે. જેનું વજન કરવામાં આવી રહ્યું છે. ચાઈનીઝ લસણના બિઝનેસની માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ ચાઇનીઝ લસણનું વજન આશરે ચાર ટન છે. હાલમાં તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ લસણ લોકલ છે કે પછી ચાઇનીઝ છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર આ ચાઇનીઝ લસણ નેપાળના રસ્તે ચીનથી લાવવામાં આવે છે અને પછી તેને પૂર્ણિયા સહિત સીમાંચલના અલગ અલગ વિસ્તારોમાં વેચવામાં આવે છે. આ ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. આ લસણના સેવનથી પેટ અને આંતરડા સોજો આવે છે તેમ જ તેનો વપરાશ હાનિકારક હોવાથી સરકારે 2014થી ચાઇનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની પ્રશંસનીય કામગીરી; એક વર્ષમાં આટલા કરોડ રિકવર કર્યા
ચાઇનીઝ અને દેશી લસણ વચ્ચે શું તફાવત છે?
ચાઇનીઝ લસણની કળીઓ મોટી અને ચમકદાર હોય છે જ્યારે દેશી લસણ બારિક હોય છે. દેશી લસણની ત્રણ ચાર કળી બરાબર ચાઇનીઝ લસણની એક કળી થાય છે. ચાઇનીઝ લસણ કેમિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તેથી તે ચમકદાર દેખાય છે.
દેશી લસણ સહેજ પીળાશ પડતા રંગનું હોય છે. ચાઇનીઝ લસણની ગંધ બહુ જ ફિક્કી હોય છે. દેશી લસણની ગંધ ઘણી તીવ્ર હોય છે. ચાઇનીઝ લસણની છાલ સરળતાથી કાઢી શકાય છે. દેશી લસણની છાલ હાથની આંગળી પર ચોંટી જાય છે