સ્પોર્ટ્સ માટે ગુજરાતને દેશમાં સૌથી વધુ ગ્રાન્ટ, પણ એશિયન ગેમ્સમાં ગુજરાતના ઝીરો મેડલ!
તાજેતરમાં ચીનનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સ- 2023માં ભારતીય ખેલાડીઓએ ઐતહાસિક પ્રદર્શન કરી 28 ગોલ્ડ સહિત 107 મેડલ્સમાં જીત્યા હતા. આ 107 મેડલમાંથી સૌથી વધુ 45 મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા હતા, ત્યારે ગુજરાતના ખેલાડીઓ એક પણ મેડલ જીતી શક્ય ન હતા. બીજી તરફ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા કેન્દ્ર સકરકાર તરફથી વર્ષ 2022 સૌથી વધુ ગ્રાન્ટ ગુજરાતને મળી હતી. જયારે હરિયાણાને ગુજરાતને મળેલી ગ્રાન્ટના 15 ટકા જેટલી જ ગ્રાન્ટ મળી હતી. આ આંકડાઓ સામે આવતા સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની નીતિની ટીકા થઇ રહી છે.
મળતી માહિતી મુજબ ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે 655 એથ્લેટ્સની વિશાળ ટુકડી મોકલી હતી. દેશના 26 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોના એથ્લેટ્સ ભારતીય ટુકડીનો ભાગ હતા. જેમાં હરિયાણાના સૌથી વધુ 89, ત્યાર બાદ મહારાષ્ટ્રના 73 અને પંજાબના 49 એથ્લેટ્સનો સમાવેશ થતો હતો. જયારે ગુજરાતના માત્ર 8 એથ્લેટ્સ એશિયન ગેમ્સમાં રમવા ક્વોલિફાય થઇ શક્યા હતા.
એશિયન ગેમ્સ 2023માં ભારતે 107 મેડલ જીત્યા હતા. રાજ્યવાર મેડલની સંખ્યા મુજબ હરિયાણાએ સૌથી વધુ 45 મેડલ મેળવ્યા, પંજાબના 32, મહારાષ્ટ્રના 31, યુપીના 19, તમિલનાડુના 19, રાજસ્થાનના 13, કેરળના 12, મધ્ય પ્રદેશના 12, પશ્ચિમ બંગાળના 11, દિલ્હીના 10, આન્ધ્રપ્રદેશના 10, મણીપુરના 8, તેલંગાણાના 7, કર્ણાટકના 7, હિમાચલ પ્રદેશના 6, ઝારખંડના 5, ઉત્તરાખંડના 4, ઓડીસાના 3, આસામના 2 અને મિઝોરમના 1. જયારે ગુજરાતના ભાગે એક પણ મેડલ આવ્યું ન હતું.
વર્ષ 2022માં ભારત સરકારે દેશમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટક્ચરના વિકાસ માટે 34 રાજ્યોને રૂપિયા 2,754 કરોડથી વધારે રકમ ફાળવી હોવાનું લોકસભામાં જાહેર કર્યુ હતું. જેમાં સૌથી વધારે ભંડોળ ગુજરાતને રૂ.608 કરોડ 37 લાખ આપવામાં આવ્યું હતું. જયારે દેશ માટે સૌથી વધારે મેડલ લાવનાર હરિયાણાને ગુજરાતને મળેલા ભંડોળના માત્ર 15 ટકા અર્થાત રૂપિયા 88 કરોડ 89 લાખ ફાળવવામાં આવ્યા હતા. ગુજરાત બાદ સૌથી વધુ ભાંડોળ ઉત્તર પ્રદેશને રૂ.503 મળ્યા હતા, પરંતુ ઉત્તર પ્રદેશે એશિયન ગેમ્સમાં 19 મેડલ અપાવ્યા હતા.
એશિયન ગેમ્સમાં 32 મેડલ જીતી લાવનાર પંજાબને માત્ર 94 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. 31મેડલ જીતનાર મહારાષ્ટ્રને રૂ.111 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સરકાર અમદાવાદમાં ઓલિમ્પિક-2036 આયોજિત કરવાની યોજના સાથે કેટલાક અત્યાધુનિક સ્ટેડીયમ બનવવામાં આવી રહ્યા છે. જેના માટે ગુજરાતને અધધ રકમની ફાળવણી કરવામાં આવી રહી છે. ત્યારે રમત પ્રેમીઓની રોષ ઠાલવી રહ્યા છે કે જ્યાં રમત ગમતમમાં વધુ સારું કામ થઇ રહ્યું છે એવા રાજ્યોમાં ખેલાડીઓ માટે સામાન્ય સુવિધાઓ પણ નથી, ત્યારે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં સ્પોર્ટ્સ ક્ષેત્રે નીરસતા જોવા મળે છે ત્યારે આત્યાધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે. એ પણ 2036નો ઓલમ્પિક અમદવાદમાં રમાડવામાં માટે, જેની શક્યાતા પણ ઓછી જણાઈ રહી છે.
આ ઉપરાંત ગુજરાત સરકાર છેલ્લા 13 વર્ષથી ખેલમહાકુંભ યોજી રહી છે જેની પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, છતાં ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પણ સારું પ્રદર્શન કરી શક્યા નથી. જેના કારણે સોશિયલ મીડિયામાં અને રમતગમત ક્ષેત્રના ખેલાડીઓમાં ગુજરાતમાં ચાલી રહેલી સ્પોટ્ર્સ એક્ટિવિટી અને સરકારના નિરર્થક પ્રયાસો અંગે ભારે ટીકાઓ થઈ રહી છે.