મનુ ભાકરનું નામ ખેલ રત્ન એવોર્ડની યાદીમાંથી સામેલ નહીં! પિતાએ નારાજગી વ્યક્ત કરી, જાણો શું છે હકીકત
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર મનુ ભાકરે (Manu Bhaker) શાનદાર પ્રદર્શન કર્યું હતું. મનુએ બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટ અને સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. આ રીતે મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. જોકે, હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે આ વર્ષે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટેની યાદીમાં મનુ ભાકરનું નામ સમેલ કરવામાં નથી આવ્યું. જે અંગે માનુના પિતાએ નારાજગી વ્યક્ત કરી છે.
પિતાએ નારાજગી વ્યક્ત કરી:
મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે કહ્યું કે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું કોઈ મહત્વ નથી કારણ કે બે ઓલિમ્પિક મેડલ જીત્યા હોવા છતાં મનુને ખેલરત્ન એવોર્ડ માટે અવગણવામાં આવી હતી. જ્યારે સન્માન માટે ભીખ માંગવી પડે ત્યારે દેશ માટે રમીને મેડલ જીતવાનો શું ફાયદો. તે છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત તમામ એવોર્ડ માટે અરજી કરી રહી છે અને હું તેનો સાક્ષી છું. મનુ જે પુરસ્કારો માટે અરજી કરી રહ્યો છે તેમાં ખેલ રત્ન, પદ્મભી અને પદ્મભૂષણ પુરસ્કારોનો સમાવેશ થાય છે.
મનુના પિતાએ કહ્યું, ‘મને મારી દીકરીને શૂટિંગમાં મૂકવા બદલ અફસોસ છે. કાશ તેને ક્રિકેટર બનાવી હોત. પછી તેને તમામ પુરસ્કારો અને સન્માનો મળ્યા હોત. તેણે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે, આ પહેલા દેશમાં આવું કોઈએ કર્યું નથી. ‘
સરકારની સ્પષ્ટતા:
રમતગમત મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ હજુ અંતિમ યાદી નક્કી કરવામાં આવી નથી. કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે અને મનુનું નામ અંતિમ યાદીમાં હોવાની સંભાવના છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી રામસુબ્રમના નેતૃત્વ હેઠળની 12 સભ્યોની એવોર્ડ સમિતિમાં ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલ સહિત ભૂતપૂર્વ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયના નિયમો હેઠળ, ખેલાડીઓને જાતે અપ્લાય કરવાની છૂટ છે. જોકે, કમિટી એવા નામો પર પણ વિચાર કરી શકે છે જેમણે અરજી કરી નથી. મંત્રાલયે દાવો કર્યો હતો કે મનુએ અરજી કરી નથી.
Also Read – પુરુષ ક્રિકેટરોને પણ શરમાવે એવો હરમનપ્રીત કૌરનો અફલાતૂન વન-હૅન્ડેડ કૅચ!
આ ખેલાડીઓને મળી શકે છે એવોર્ડ:
એવું માનવામાં આવે છે કે સમિતિએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિકમાં હાઈ જમ્પ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પેરા એથ્લેટ પ્રવીણ કુમારના નામની ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે. આ સિવાય 30 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.