આમચી મુંબઈ

…તો ગોરેગામથી મુલુંડ ફક્ત 25 મિનિટમાં પહોંચાશે…

પર્યાવરણ, સંરચના અને હરિયાળી ક્ષેત્ર પર કોઇ અસર પડશે નહીં પાલિકાની સ્પષ્ટતા

મુંબઈ: પૂર્વ અને પશ્ચિમના પરાં વિસ્તારોને જોડનારા ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રકલ્પનું કામ પ્રગતિના પથ પર છે. તેમ છતાં આ પ્રકલ્પ હેઠળ સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP)ની નીચેથી પસાર થનારી ૪.૭ કિ.મી. લાંબી ટ્વિન ટનલને લઇને પર્યાવરણ સંબંધિત સવાલ ઉઠવા લાગ્યા છે, પરંતુ પાલિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનાથી ઉદ્યાનના પર્યાવરણ, સંરચના અને હરિયાળી ક્ષેત્ર પર કોઇ અસર પડશે નહીં. આ ટનલ દ્વારા પૂર્વ અને પશ્ર્ચિમ પરાં વચ્ચેનું ૭૫ મિનિટનું અંતર ઘટીને ફક્ત પચીસ મિનિટ થઇ જશે.

આ પણ વાંચો : મુંબઈના મેટ્રો સહિતના આ પ્રોજેક્ટને મળશે વેગઃ ટ્રાફિક પોલિસનું ક્લિયરન્સ

૬,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રકલ્પનું કામ ઓક્ટોબર, ૨૦૨૮ સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નેશનલ પાર્કની નીચેથી ટનલ પસાર થતી વખતે અનેક વૃક્ષો પ્રભાવિત થવાની શક્યતા પર્યાવરણશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ટનલ માટે રસ્તો બનાવતા 515 વૃક્ષ કપાશે

પાલિકાના સર્વેક્ષણમાં પણ જાણવા મળ્યું છે કે ટનલ માટે રસ્તો બનાવતી વખતે ઓછામાં ઓછા ૧,૫૬૭ વૃક્ષ પ્રભાવિત થશે. ૫૧૩ વૃક્ષ કાપવામાં આવશે તથા અમુક વૃક્ષોનું આરે કોલોનીમાં ફરી રોપણ કરવામાં આવશે. આ પ્રકલ્પના ત્રીજા તબક્કામાં સંજય ગાંધી નેશનલ પાર્ક નીચેથી ૬.૫ કિલોમીટર લાંબી અને ૪૫.૭૦ મીટર પહોળી ટ્વિન ટનલ બનાવવામાં આવશે.

પાણી પુરવઠા માટે વિશેષ યોજના બનાવાઇ

આ ટનલ ગોરેગાંવથી ફિલ્મ સિટીથી શરૂ થઇને મુલુંડના ખિંડીપાડામાં પૂર્ણ થશે. ટ્વિન ટનલ જમીનની અંદર ૨૦થી ૧૬૦ મીટરના ઊંડાણમાં હશે. બન્ને ટનલ ૩૦૦-૩૦૦ મીટરના અંતરે હશે. ૧૪.૪૯ મીટર સુધીની વ્યાસવાળી આ ટનલ દેશની સૌથી પહોળી ટનલ હશે. ટનલની અંદર પાણી પુરવઠો કરવા માટે પાલિકાએ વિશેષ યોજના બનાવી છે. તેમાં ૧,૮૦૦ મિ.મી.ની પાઇપલાઇન બનાવવામાં આવશે. તેના દ્વારા પાણી ભાંડુપ જળશુદ્ધિકરણ કેન્દ્રમાં પહોંચાડવામાં આવશે અને ત્યાંથી મુંબઈને પાણી પુરવઠો કરવામાં આવશે.

આ પણ વાંચો : ‘BEST’ને પગાર આપવાના ફાંફા પાલિકાએ હાથ ઉપર કરતા ગુરુવારથી કર્મચારીઓનું આંદોલન

માર્ચમાં ચીનથી ટીબીપી આવવાની છે શક્યતા

ટનલમાં પાઇપલાઇન રસ્તાની સપાટીની નીચે સમાંતર બેસાડવામાં આવશે. રસ્તો અને જળમાર્ગ વચ્ચે ત્રણ મીટરનું અંતર રાખવામાં આવશે. ટનલમાં વીજળીના કેબલ અને અન્ય નેટવર્ક લાઇનો માટે ૬૦૦ મિ.મી. પાઇપ ચેનલ પણ બેસાડવામાં આવશે. માર્ચ, ૨૦૨૫માં ચીનથી ટનલ બોરિંગ પ્લાન્ટ આવવાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button