આરોગ્ય એક્સપ્રેસ: ટેટૂ ને પિયર્સિંગનો શોખ: આરોગ્ય માટે કયારેક આફત પણ બની જાય !
- રાજેશ યાજ્ઞિક
પિર્સિંગ કે પિયર્સિંગ જેને આપણે ગુજરાતીમાં વેધન કે વીંધવું કહીએ છીએ અને ટેટૂ એટલે કે છૂંદણાં. આ બન્ને શરીર સજાવટની કળા પ્રાચીન કાળથી ચાલી આવી છે. આ બન્ને સૌંદર્ય સંવર્ધન માટે વિશેષ રૂપે ઉપયોગમાં લેવાતા હતા. આ બન્ને કળા ગુજરાત અને કચ્છમાં વધુ લોકપ્રિય છે.
આ કળાનું ચલણ સ્ત્રીઓમાં આજે પણ ખાસ જોવા મળે છે. વેધન ક્રિયા દ્વારા ત્વચામાં છિદ્ર કરી દાગીના, જેમ કે કાનમાં બુટ્ટી અને નાકમાં નથ પહેરવાની પરંપરા તો લગભગ બધા જ પ્રદેશની જ્ઞાતિઓમાં રહી છે. પુરુષ પણ કુંડળ પહેરતા આવ્યા છે. મહાભારત કાળમાં પણ વેધનની પરંપરા હતી.
જોકે તે સિવાય પિયર્સિંગ શરીરના અન્ય ભાગમાં પણથાય છે. ટેટૂ એ ત્વચા પર સોય અને રંગીન શાહીથી બનેલી ડિઝાઇન છે. ટેટૂ કાયમી અને હંગામી પણ બનાવવામાં આવે છે.
એક જમાનાની આ પ્રથા હવે તો ફેશનરૂપે ઘણી પ્રસરી ગઈ છે. કાન-નાક તો ઠીક, પણ શરીરના અનેક અંગ પર વેધન અને છૂંદણાં કરવામાં આવે છે. જીભ, હોઠ, ડૂંટી ઉપરાંત આજની પેઢીના તરુણ-તરુણીઓ તો ડૂંટીથી લઈને શરીરના અંગત ભાગો ઉપર પણ પિયર્સિંગ કરાવતા અચકાતા નથી. છૂંદણાંનું પણ એવું જ છે. પહેલા તો છૂંદણાં શરીરના દેખાતા ભાગ, જેવા કે હાથ, ચહેરો, ગળા કે પગ ઉપર કરાવતા. હવે શરીરના ન દેખાતા ભાગો ઉપર ટેટૂ-છૂંદણાંની ફેશન યુવાનોમાં સામાન્ય થઇ ગઈ છે.
જોકે, અહીં પણ યુવાનોએ સાવધાન થવાની જરૂર છે. વગર વિચાર્યે મન ફાવે ત્યાં છૂંદણાં કે વેધન કરાવવાનો ગાંડો શોખ ક્યારેક આફત પણ નોતરી શકે છે. ટેટૂની શાહી અને સોય નુકસાન પહોંચાડી શકે છે તો વેધનના ઘા પણ જો કાળજી લેવામાં ન આવે તો ગંભીર ચેપનું જોખમ બની શકે.
આથી આ બન્ને ફેશન અપનાવતી વખતે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેધન અને ટેટૂને કારણે અનેક પ્રકારના ઈન્ફેક્શન પણ થઈ શકે છે. કેલોઇડ્સ, એક પ્રકારનો ડાઘ જે હીલિંગ દરમિયાન રચાય છે.
આનાથી હેપેટાઇટિસ, એચઆઇવીનું સંક્રમણ, ત્વચાનું કેન્સર, ઈત્યાદિ થઈ શકે. અલબત્ત, ટેટૂથી ત્વચાનું કેન્સર થાય છે તે સાબિત થયું નથી, પરંતુ ટેટૂની શાહીમાં કેટલાક ઘટક એવાં હોઈ શકે, જે કેન્સરનું કારણ બની શકે. કેન્સરની વાત આવે છે ત્યારે કાળી શાહી ખાસ કરીને ખતરનાક બની શકે છે કારણ કે તેમાં બેન્ઝો(એ)પાયરીનનું ઉચ્ચ સ્તર હોય છે. ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઇએઆરસી)’ દ્વારા બેન્ઝો(એ)પાયરીનને ‘કાર્સિનોજેનિક’ (કેન્સર ફેલાવી શકે એવું) ગણાવવામાં આવ્યું છે.
Also read: ફોક્સ પ્લસ : રોજની કઈ ૮ આદત કિડનીને પહોંચાડે છે નુકસાન?
ટેટૂના કારણે અન્ય સમસ્યા પણ સર્જાઈ શકે, જેમકે ટેટૂના રંગ એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે (જે વર્ષો પછી પણ વિકસી શકે). એલર્જીક પ્રતિક્રિયાનાં લક્ષણોમાં ટેટૂ ચીતરાવ્યું હોય ત્યાં ફોલ્લીઓ થઈ શકે છે. ટેટૂ સાઇટ પર સોજો થવો કે ત્યાં બળતરા થઈ શકે. ટેટૂ કે વેધન વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો ..
જો તમને ત્વચા કે લોહી સંબંધિત કોઈ વિકૃતિ હોય તો ટેટૂ કરાવવાનો વિચાર છોડી દો. ડાયાબિટીસ ધરાવતા લોકોએ ટેટૂ ન કરાવવું જોઈએ, તેનાથી ચેપનું જોખમ વધી શકે છે. ટેટૂ કે પિયર્સિંગ કરનાર વ્યક્તિ હાથમાં મોજા પહેરી રાખે તે પણ જરૂરી છે, જેથી વ્યક્તિથી વ્યક્તિને લાગી શકતો કોઈ ચેપ લાગી ન જાય. સસ્તા અને બિનવ્યાવસાયિક સ્થળે ટેટૂ કરાવવાનું ટાળો.
શરીરના કોમળ અંગ અને જનનાંગો પર પિયર્સિંગ જેવી ફેશનનો મોહ ટાળો. કુદરતે આ અંગ કોઈ અન્ય કાર્ય માટે આપ્યા છે- ફેશન માટે નહીં. સુંદર દેખાવા માટે ટેટૂ કે પિયર્સિંગ કરાવો તેનો વાંધો નહીં, પણ તેનો અતિરેક કરીને આરોગ્યનું જોખમ વહોરી લેવું એ શાણપણ નથી.આ વાત યુવાનોએ ખાસ યાદ રાખવા જેવી છે.