તરોતાઝા

નિવૃત્તિ પછીના પ્રવાસમાં વધુ આરામ સાથે વધુ આનંદ આ રીતે પણ મેળવી શકાય…

ગૌરવ મશરૂવાળા

લલિતભાઈ એમની પત્ની પુષ્પાબહેન અને મિત્ર અરુણભાઈનાં વિધવા કિરણબહેન મુંબઈથી છેક દાર્જિલિંગ સુધી જઈ આવ્યાં હતાં. આટલા દૂરના પ્રવાસને લીધે એ ત્રણેય સખત થાકી ગયાં હતાં. લલિતભાઈ અને અરુણભાઈ 30 વર્ષથી ગાઢ મિત્રો હતા. એમની દુકાન પ્રાર્થનાસમાજ વિસ્તારમાં બાજુબાજુમાં હતી.

લલિતભાઈની દુકાન કરિયાણું, સૂકો મેવો તથા અન્ય ખાદ્યપદાર્થોની હતી, જ્યારે અરુણભાઈનો બિઝનેસ ફર્નિશિંગ, અલ્પહોલ્સ્ટરી, વગેરેનો હતો. આ બંને સારા મિત્રો એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એમનાં પરિવાર પણ નિકટ આવી ગયા હતા. વળી, એમનાં સંતાનો પણ લગભગ સરખી ઉંમર… એ બધા ફિલ્મ જોવા, પિકનિક પર કે રજાઓમાં બહાર ફરવા માટે સાથે જ જતા. દર વર્ષે ઉનાળા દરમિયાન ફરવા જવાનો એમનો ક્રમ હતો. અરુણભાઈ થોડા વખત પહેલાં હાર્ટ ઍટેકથી અવસાન પામ્યા બાદ પણ એમના પરિવારનો લલિતભાઈના કુટુંબ સાથેનો સંબંધ યથાવત છે.

જોકે, હવે ઉંમર વધવાની સાથે લલિતભાઈ, પુષ્પાબહેન અને કિરણબહેન લાંબો પ્રવાસ કરી શકતાં નથી. આજકાલ ક્યાંય પણ જવું હોય તો હવાઈપ્રવાસ કરે, છતાં થાકી જાય છે. પ્રવાસ કરવાનું બધાને ગમે, પરંતુ વધતી ઉંમરને લીધે થાક લાગે એ સ્વાભાવિક છે. આવું જ આ બંને પરિવારના વડીલોની સાથે થયું. વિમાનમાં પણ લાંબો પ્રવાસ કંટાળાજનક હોય છે. ઘણા લોકોને વિમાનમાં અપાતો ખોરાક પણ ફાવતો નથી. મારા એક મિત્રનાં મમ્મીએ મને કહ્યું હતું કે એ વિદેશપ્રવાસે જાય ત્યારે ઘરનું ભોજન જ લઈ જાય છે.

ઍરહોસ્ટેસ વિમાનમાં ખાવાનું ગરમ કરી આપે છે. મારા ઓળખીતા એક શાળાના આચાર્યે મને કહ્યું હતું કે એમને લાંબા વિમાન પ્રવાસમાં ઘણી અગવડ પડે છે. આથી એ બે ટુકડે પ્રવાસ કરે છે. વચ્ચેના ઍરપોર્ટ પર છથી આઠ કલાકનો વિરામ હોય ત્યારે હોટેલ બુક કરીને આરામ કરી લેવો અને પછી બીજા તબક્કાનો પ્રવાસ કરવો એવો ક્રમ એમણે ગોઠવી લીધો હતો. એમણે એમ પણ કહ્યું હતું કે ફટાફટ પહોંચીને પછી બે-ત્રણ દિવસ થાક ઉતારવા માટે ઘરે રહેવું પડે એમાં કોઈ મજા નથી,

Also read: તંદુરસ્તી-મનદુરસ્તી : જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય એની વિકાસયાત્રા અટકી જાય

જ્યારે એ બે તબક્કામાં પ્રવાસ કરતા હોવાથી મુકામે તાજામાજા પહોંચી શકે છે. વિમાનમાં રાતે જવું ન પડે એવી રીતે અને ટ્રેનમાં જવાનું હોય ત્યારે રાતની ઊંઘ પૂરી થાય એવી રીતે પ્રવાસ ગોઠવતા. નિવૃત્ત વ્યક્તિઓએ પ્રવાસ કર્યા બાદ સ્થાનિક વાતાવરણને અનુકૂળ થવા માટે થોડો સમય રહ્યા બાદ જ પ્રવૃત્તિઓ કરવાનું કે ફરવા જવાનું ગોઠવવું. વળી, દરરોજ અને લાંબા સમય માટેનું સાઈટ-સીઈંગ પણ રાખવું નહીં. તમારી તબિયત સાથ આપે એ રીતે અડધો દિવસ કે સવાર-સાંજ બે ભાગમાં ફરવા જવું અને બપોરે આરામ કરવો.
આ રીતે વધારાના થાકથી બચી શકાય છે.

સારું ખાવાપીવાનું બધાને ગમતું હોય છે, પરંતુ સ્વાદના શોખ પૂરા કરવા હોય તો ઘરમાં જ કરવા. બહાર જાઓ ત્યારે હલકો ખોરાક જ લેવો. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. વિદેશપ્રવાસ વખતે કોઈ મંદિર કે ધાર્મિક સંસ્થામાં રેસ્ટોરાં હોય ત્યાં જમવું. પહેલી વાત તો એ કે તેમાં શાકાહારી ખાવાનું મળે છે અને બીજું એ કે ત્યાંનો ખોરાક આરોગ્યપ્રદ હોય છે. ટૂંકમાં, એટલું જ કહેવાનું કે મોટી ઉંમરે -નિવૃત્તિ પછી પ્રવાસ કરવાનું ટાળવાને બદલે બહાર જતાં પહેલાં થોડું પ્લાનિંગ કરી લેવું. આ રીતે અગાઉ ઓછી ઉંમરે આવતી હતી એટલી જ મજા માણી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button