ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની પ્રશંસનીય કામગીરી; એક વર્ષમાં આટલા કરોડ રિકવર કર્યા
ગાંધીનગર: વધી રહેલા ડિજીટલ ટ્રાન્ઝેક્શન સાથે સાથે સાઈબર ફ્રોડના પ્રમાણમાં પણ વધરો નોંધાઈ રહ્યો છે. ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ (Gujarat State cyber crime cell) સાઈબર ક્રિમીનલ્સ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. માહિતી મુજબ વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલે સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકો પાસેથી આંચકેલા રૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. આ ઉપરાંત એક વર્ષમાં 285.12 કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા છે, તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આટલી કલાકમાં ફરિયાદ નોંધાવો:
સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સ એટલે કે પાંચ કલાકની અંદર મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોય છે. કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સની અંદર જ હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી:
અહેવાલ મુજબ રાજ્યમાં તા.1લી જાન્યુઆરી-2024થી તા.15મી ડિસેમ્બર-2024 સુધીમાં સાયબર ક્રાઈમ સંબંધિત કુલ 1.31 લાખ ફરિયાદો નોંધાઈ હતી. તેની સામે ત્વરિત એક્શન લઇને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ.285.12 કરોડની રકમ ફ્રીઝ કરવામાં ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે. તે પૈકી સાયબર છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોનાં 108.08કરોડ રૂપિયા રિકવર કરી પરત કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
Also Read – Gujarat સરકારે કર્યો વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો, ગ્રાહકોને થશે આટલા કરોડનો ફાયદો
વધુ આટલા રૂપિયા નાગરિકોને પરત મળશે:
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ કે, લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવાના હેતુસર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તા.3જી ડિસેમ્બરથી તા.13મી ડિસેમ્બર, 2024દરમિયાન 10 દિવસની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજ્યભરની કુલ 40,905 અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ કરવામાં આવ્યા. જેના ટુંક સમયમાં કોર્ટના ઓર્ડર આવશે એટલે સાયબર ફ્રોડમાં ગયેલા વધુ 75 કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે.
અમિત શાહે એવોર્ડ આપ્યો:
નોંધનિય બાબત છે કે, ગુજરાત પોલીસના રેપિડ એક્શન સહિત હેલ્પલાઇનના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે વિશેષ સન્માન મળ્યુ છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.