રાંચી: ભારતના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન અને સૌથી સક્સેસફુલ વિકેટકીપર-બૅટર મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા તપાસ થઈ રહી હોવાનું મનાય છે.
માહીએ રાંચી ખાતેના નિવાસસ્થાનનો ઉપયોગ કમર્શીયલ ધોરણે કર્યો હોવાનો આક્ષેપ છે. કેટલાક અહેવાલોમાં જણાવાયા મુજબ માહીને થોડા વર્ષો પહેલાં ઝારખંડ રાજ્ય સરકારે હારમુ હાઉસિંગ કૉલોનીમાં પાંચ કાટા જમીન બક્ષિસમાં આપી હતી. સરકારે તેને એ પ્લૉટ માત્ર રહેઠાણ બનાવવા માટે આપ્યો હતો.
ધોનીએ હૉમટાઉન રાંચીમાં એ વિશાળ પ્લૉટ પર આલીશન બંગલો બનાવ્યો હતો. જોકે થોડા વર્ષો બાદ ધોનીએ જાહેર જનતા અને મીડિયાથી દૂર રહેવા રાંચી શહેરની ભાગોળે સિમાલિયા નામના વિસ્તારમાં મોટું ફાર્મહાઉસ વિકસાવ્યું હતું અને પરિવાર સાથે ત્યાં રહેવા જતો રહ્યો હતો.
ધોની સામે એવો આક્ષેપ છે કે સરકારે રાંચીમાં ફાળવેલા પ્લૉટ પરની ઈમારતનો ઉપયોગ વ્યાપારી ધોરણે કરવામાં આવી રહ્યો છે. સરકાર આ બાબતમાં તપાસ કરી રહી છે.
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ સંજય લાલ પાસવાને જણાવ્યું હતું કે રાજ્યના નિયમ મુજબ સરકાર જેને રહેવા માટે જે જગ્યા આપે એનો ઉપયોગ વ્યાપારી ધોરણે ન થઈ શકે.
આ પણ વાંચો હાર્દિક પંડ્યા બાદ ઓર એક સેલિબ્રિટી ક્રિકેટરના થયા ડિવોર્સ?
પાસવાને એવું પણ જણાવ્યું હોવાનું મનાય છે કે રાજ્ય સરકારને ફરિયાદ મળી છે અને અધિકારીઓને એ બાબતમાં તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જો આક્ષેપો પુરવાર થશે તો ધોનીને નોટિસ મોકલવામાં આવશે.
અન્ય એક અહેવાલ મુજબ ઝારખંડ રાજ્ય સરકારે 300 જેટલા પ્લૉટના માલિકોને રહેઠાણ માટે અપાયેલી જગ્યાનો ઉપયોગ કમર્શિયલ ધોરણે કરવા બદલ નોટિસ મોકલી છે.
ધોની 2025ની આઇપીએલમાં ચેન્નઈની ટીમ વતી માત્ર ચાર કરોડ રૂપિયાની ફીના બદલામાં રમવાનો છે.