ફિલ્મ સિંગર શાનની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, જાણો શું છે ગાયકની હાલત?
મુંબઇઃ બોલિવૂડ સિંગર શાન જ્યાં રહે છે તે ફોર્ચ્યુન એનક્લેવ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર બાન્દ્રાની ફોર્ચ્યુન એનક્લેવ બિલ્ડીંગમાં આજે સવારે 2 વાગ્યે આગ લાગી હતી. ગાયકની બિલ્ડીંગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગ લાગતા જ તાત્કાલિક અગ્નિશમન દળને બોલાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
મળતી માહિતી મુજબ ઇમારતના સાતમા માળે આગ લાગી હતી. શાન તેના પરિવાર સાથે આ બિલ્ડિંગના 11મા માળે રહે છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે શાન ઘરે ન હતો. સિંગરે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં શાન અને તેનો પરિવાર સુરક્ષિત છે, પરંતુ બિલ્ડિંગની એક 80 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગને રાતે 1.45ના સુમારે આગનો એલર્ટ મળ્યો હતો અને ત્યાર બાદ 10 ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. હાલમાં તો સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સિંગર શાન અને તેનો પરિવાર સુરક્ષિત હોવાથી તેમના ચાહકોએ રાહતનો દમ લીધો છએ.
આગ કેવી રીતે લાગી તે અંગે હજી સુધી કોઇ જાણકારી મળી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે લાગી હોઈ શકે છે.
આ પણ વાંચો…ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બીકેસી માટેનો સિગ્નલ ફ્રી રોડ ખુલ્લો મુકાયો
સિંગર શાનની વાત કરીએ તો તેઓ ભારતના શ્રેષ્ઠ પ્લેબેક સિંગર્સમાંથી એક છે. શાને તેમની કારકિર્દીની શરૂઆત જાહેરાતોમાં જિંગલ્સ ગાવાથી કરી હતી. આ પછી તેમના આલ્બમ્સ રિલીઝ થયા અને પછી શાને બોલિવૂડમાં તેમની શાનદાર કારકિર્દી બનાવી. શાનનાં આવાં ઘણાં ગીતો આજે પણ લોકોનાં દિલોદિમાગ પર છવાયેલા છે.