ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા સુધારા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલા સતત બે સત્રના સુધારાને બ્રેક લાગી હતી અને સત્રના અંતે રૂપિયો ગઈકાલના બંધ સામે છ પૈસાની નરમાઈ સાથે ૮૩.૨૪ના મથાળે બંધ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજે એકંદરે બજાર વર્તુળોની નજર મોડી સાંજે જાહેર થનારા સપ્ટેમ્બર મહિનાના ફુગાવાના અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૧૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૫ અને ઉપરમાં ૮૩.૧૨ની રેન્જમાં અથડાઈને અંતે છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળાના બંધ સામે સાધારણ ૦.૦૯ ટકાના ઘટાડા સાથે ૧૦૫.૭૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨ ટકા વધીને ૮૬.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૪.૬૬ પૉઈન્ટનો અને ૧૭.૩૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૨૧.૭૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.