બે દિવસની આગેકૂચને બ્રેક: નિફ્ટી 19,800ની નીચે સરકયો
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સતત બે દિવસની આગેકૂચ બાદ બજાર કોન્સોલિડેશન મોડમાં સપડાયું હતું. સેન્સેક્સ ઊંચા મથાળે ખૂલ્યા બાદ આઇટી શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા નીચી સપાટીએ ગબડતો રહ્ય હતો અને અંતે નેગેટીવ ઝોનમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સ 64.66 પોઇન્ટ અથવા તો 0.10 ટકાના ઘટાડા સાથે 66,408.39 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 17.35 પોઇન્ટ અથવા તો 0.09 ટકાના ઘટાડા સાથે 19,800ની સપાટી તોડતો 19,794 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
શેરબજારની શરૂઆત સારી થઈ હતી પરંતુ ઇન્ડેક્સ હેવિવેઇટ ટીસીએસના શેરની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધી જતાં પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો હતો. ટીસીએસએ જણાવ્યું હતું કે સુસ્ત આર્થિક વાતાવરણ વચ્ચે આગામી સમયમાં આઈટી ક્ષેત્ર માટે અવરોધ ચાલુ રહેશે. કંપનીના આ નિવેદન પછી આઇટી શેરમાં વેચવાલી અને ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે જાહેર કરાયેલ યુએસ ફેડરલ રિઝર્વની મીટિગ મિનિટ્સ પછી દર-સંવેદનશીલ શેરોમાં વધારો થયો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ બેન્ક અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિ વચ્ચે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો નહીં કરશે.
સેન્સેક્સ શેર્સમાં, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ, ટાટા સ્ટીલ અને એમએન્ડએમ પ્રારંભિક વેપારમાં સુધારો રહ્યો હતો. જો કે, સેન્સેક્સમાં અગ્રણી લુઝર તરીકે ઉભરી આવેલી આઈટી અગ્રણી ટીસીએસમાં વેચવાલી થવાથી સેન્સેકસ સુધારો ધોવાઈ ગયો ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા અન્ય આઈટી શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ, એચયુએલ, એલએન્ડટી અને ભારતી એરટેલમાં નોંધાયેલી વેચવાલી પણ ઇન્ડેક્સને નીચે લાવવામાં કારણભૂત ઠરી છે.
મૂડીબજારમાં હલચલ ચાલુ રહી હતી. પ્લાઝા વાયર્સનો શેર રૂ. 54ના ઇશ્યુ ભાવ સામે 52 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. ક્વોન્ટમ એએમસીએ ક્વોન્ટમ સ્મોલકેપ ફંડના એનએફઓ સાથે 16 ઓક્ટોબરે મૂડબજારમાં પ્રવેશશે અને એનએફઓ 27 ઓક્ટોબરે બંધ થશે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જેનું સ્મોલકેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સાધનોમાંં 65થી100 ટકા એક્ઝપોઝર રહેશે અને બીએસઇ 250 સ્મોલ કેપ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ માટે બેન્ચમાર્ક ગણવામાં આવશે.
વૈશ્વિક વિસ્તરણ યોજનાના ભાગરૂપે ધ્રુવ ક્નસલ્ટન્સી સર્વિસ લિમિટેડે જાપાનીઝ ક્નસલ્ટન્સી ફર્મ નિપ્પોન કુઇ સાથે સંયુક્ત સાહસમાં પાઠવેલી બિડ અંતર્ગત આફ્રિકન અને દક્ષિણપૂર્વ એશિયાના દેશો, ખાસ કરીને તાંઝાનિયા, ઝામ્બિયા, નાઇજીરીયા અને યુગાન્ડામાં ક્નસલ્ટન્સી ભાગીદારો સાથે સમજૂતી કરાર કર્યા છે. આ જાપાનીઝ યુતિ હેઠળ આફ્રિકન ડેવલપમેન્ટ બેંક હેઠળના પ્રોજેક્ટ્સને લક્ષ્યાંકિત કરે છે, જેમાં આઠ પ્રોજેક્ટ પહેલેથી જ નક્કી કરી લેવાયા છે.
બજારના સાધનો અનુસાર એક જીઓપોલિટિકલ ફેકટર તેજી માટેના પરિબળો બજારમાં મોજૂદ છે, જેમાં ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડાનો ટે્રન્ડ, ક્રૂડમાં ઘટાડો અને કેશ માર્કેટમાં એફઆઇઆઇના વેચાણમાં તીવ્ર ઘટાડો બજાર માટે મોટી સકારાત્મકતા છે. હવે અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા પર નજર છે.
જાપાન, ચીન અને હોંગકોંગ સહિતના એશિયન બજારો અમેરિકાના બજારોમાં રાતોરાત ઉછાળાને પગલે તેજી સાથે ટે્રડ થઈ રહ્યા હતા. હોંગકોંગમાં હેંગસેંગ 1.75 ટકા, જાપાનમાં નિક્કી 225 1.48 ટકા જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.93 ટકા વધ્યો હતો. બુધવારે સેન્સેક્સ 393.69 પોઈન્ટ અથવા 0.6 ટકા વધીને 66,473.05 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 121.50 પોઈન્ટ અથવા 0.62 ટકા વધીને 19,811.35 પર સેટલ થયો હતો. ઉપલબ્ધ ડેટા અનુસાર એફઆઇઆઇએ બુધવારે રૂ. 421.77 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
વિશ્લેષકો એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ મોટા સંકટમાં નહીં ફેરવાશે અને ક્રૂડ ઓઇલના ભાવને ઝાઝી અસર નહીં કરશે એવા આશાવાદને કારણે સેન્ટિમેન્ટને બળ મળ્યું છે. અમેરિકાના અર્થતંત્ર તરફથી મળેલા સાનુકૂળ સંકેત સાથે યુએસ બોન્ડ યિલ્ડના ઘટાડા અને ક્રૂડના ભાવના ઘટાડાને કારણે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને જોમ મળ્યું છે. નિફ્ટી તેની સર્વકાલીન ઊંચી સપાટીથી માત્ર 2.5 ટકા દૂર છે તે હકીકત બજારની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. એફઆઈઆઈ બજારમાં સતત વેચવાલી કરી રહ્યાં હોવા છતાં, ડીઆઈઆઈ, એચએનઆઈ અને રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા થઇ રહેલા લેવાલીને કારણે બજારને સંતુલન જાળવવામાં મદદ મળી રહી છે.