વડોદરા: ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેનો જંગ ખેલ્યા બાદ આજે હારી છે. સતત સાત દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું છે. 16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પાડોશમાં રહેતા જ વિજય પાસવાને બાળકી સાથે દુષ્કર્મ કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
કાર્ડિયાક અરેસ્ટથી હારી જંગ
પ્રાપ્ત વિગતો અનુસાર 16 ડિસેમ્બરના રોજ ભરૂચના ઝઘડીયા તાલુકાના એક ગામમાં બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. 10 વર્ષની બાળકી ઉપર આચરવામાં આવેલ દુષ્કર્મની ઘટનામાં બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી અને ત્યાં જ તેની સારવાર ચાલી રહી હતી, જ્યાં બપોરે 2 વાગ્યે અને બાદમાં સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને પરિણામે બાળકીએ જીવન મરણ વચ્ચેના જંગની સામે 6.15 વાગે દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો : ભરૂચ બાળકી દુષ્કર્મ મામલે કોંગ્રેસે સરકારને ઘેરી; કહ્યું “રાજ્યમાં કાયદાઓ ડર નથી”
પીડિતાને પહોંચાડી ગંભીર ઇજાઓ
દુષ્કર્મની ઘટના બાદ આરોપીએ પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પેટના ભાગે ઈજાઓને લઈ ભરૂચમાં સર્જરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ એ જ સર્જરી ફરી (19 ડિસેમ્બર) સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં કરવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હતી.
આરોપીના રિમાન્ડને વધુ 7 દિવસ માટે વધારવામાં આવ્યા
આ કેસના આરોપી વિજય પાસવાનના રિમાન્ડને વધુ 7 દિવસ માટે વધારવામાં આવ્યા છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ ઘટના બાદ મોબાઈલ પરથી ફોન કોલ્સ કર્યા હતા અને પોલીસ તેના CDR મેળવીને તપાસ કરી રહી છે.