ટોપ ન્યૂઝનેશનલ

અલવિદાઃ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલનું 90 વર્ષે નિધન…

નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિના સાથે વર્ષ વિદાય થઈ રહ્યું છે ત્યારે અગાઉ જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પછી ઈન્ડસ્ટ્રી જાણીતા દિગ્દર્શકને ગુમાવતા ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન થયું છે. બેનેગલે 90 વર્ષની જૈફ વયે આજે અંતિમ શ્વાસ લીધા છે.

જાણીતા ફિલ્મ નિર્દેશક લાંબા સમયથી વધતી ઉંમર સંબંધિત બીમારીથી પીડાતા હતા. શ્યામ બેનેગલનું નિધન થયું હોવાના સમાચારને તેમની દીકરી પિયા બેનેગલે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે એક દિવસ થવાનું હતું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જૈફ વયના દિગ્દર્શક શ્યામ બેનેગલને 1976માં ભારત સરકારે પદ્મ શ્રી અને 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમની સફળ ફિલ્મોમાં મંથન, જુબૈદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે.

90 વર્ષની જૈફવયે અવસાન

શ્યામ બેનેગલના નિધનને લઈ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ દુખ વ્યક્ત કર્યું હતું. આજે સાંજના 6.30 વાગ્યાના સુમારે તેમને અંતિમ શ્વાસ લીધા છે. તાજેતરમાં જ તેમને 90 વર્ષના જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું હતું. અભિનેત્રી શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પાર્ટીની તસવીરો શેર કરી હતી. ફોટોગ્રાફમાં શ્યામ બેનેગલ, શબાના, નસીરુદ્દીન શાહની સાથે હસતા જોવા મળ્યા હતા. 14મી ડિસેમ્બરના શ્યામ બેનેગલની બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું.

‘અંકુર’થી ફિલ્મની કરી હતી શરુઆત

શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ અંકુરના નિર્દેશનથી શરુઆત કરી હતી. આ ફિલ્મ સામાજિક મુદ્દા આધારિત હતી. પહેલી ફિલ્મએ જ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી હતી. એના સિવાય શ્યામ બેનેગલે મહત્ત્વપૂર્ણ ફિલ્મ બનાવી હતી. શ્યામ બેનેગલની મહત્ત્વપૂર્ણ ફિલ્મમાં નિશાંત, મંથન, ભૂમિકા, સરદારી બેગમને આજે પણ લોકહૃદયમાં સ્થાન ધરાવે છે. કહેવાય છે કે મંથન ફિલ્મ ડેરી આંદોલન આધારિત હતી.

ટેલિવિઝન ક્ષેત્રે કર્યું ઐતિહાસિક કામ

શ્યામ બેનેગલે ભારતીય ફિલ્મો સિવાય ટેલિવિઝન ક્ષેત્રે મહત્ત્વનું કામ કર્યું હતું. ટેલિવિઝન પર દૂરદર્શનની જાણીતી સિરિયલમાં ભારત એક ખોજ અને કહતા હૈ જોકર, કથા સાગર વગેરેમાં નિર્દેશક તરીકે કામ કર્યું હતું. શ્યામ બેનેગલે પોતાના ગુરુ સત્યજીત રે અને દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર પણ ડોક્યુમેન્ટરી બનાવી હતી.

નસીરુદ્દીન, શબાના, સ્મિતા પાટીલને ઓળખ આપી

શ્યામ બેનેગલે ભારતીય ફિલ્મના જાણીતા કલાકાર પૈકી નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને ગિરીશ કર્નાડ વગેરેને આગવી ઓળખ આપી હતી. તેઓ જાણીતા અભિનેતા અને દિગ્દર્શક ગુરુદત્તના કઝિન ભાઈ હતા. 1976માં પદ્મ શ્રી, 1991માં પદ્મ ભૂષણ પુરસ્કાર મળ્યા પછી 2005માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મોમાં અંકુર પછી નિશાંતનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. 1976ના કાન ફિલ્મ ફેસ્ટિવલ પાલ્મે ડી ઓર માટે પણ નામાંકન કરવામાં આવ્યું હતું. ગિરીશ કર્નાડ, શબાના આઝમી, અનંત નાગ, અમરીશ પુરી, સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારોએ ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા હતા.

આઠ નેશનલ એવોર્ડ જીત્યા હતા

શ્યામ બેનેગલની ફિલ્મોએ આઠ નેશનલ એવોર્ડ જીત્યા હતા. તેમણે ઝુબૈદા, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા, નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ ધ ફરગોટન હીરો, મંડી, આરોહન, વેલકમ ટુ સજ્જનપુર વગેરે જેવી ડઝન ફિલ્મો બનાવી હતી, જ્યારે આઠ ફિલ્મોએ એવોર્ડ જીત્યા હતા. ફિલ્મી કારકિર્દીમાં 24 ફિલ્મ અને 45 ડોક્યુમેન્ટરી બનાવી હતી, જ્યારે 1,500 એડ ફિલ્મ બનાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button