અમેરિકાના કોલોરાડોમાં લિફ્ટમાં તિરાડ પડીઃ પાંચ કલાકની મહેનતે 174 લોકોને બચાવાયા
વિન્ટર પાર્ક(કોલોરાડો): અમેરિકાના કોલોરાડો રાજ્યમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ‘સ્કી લિફ્ટ’માં તિરાડ પડવાને કારણે તેમાં ફસાયેલા ૧૭૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની જાણકારી અધિકારીઓએ આપી હતી.
આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે સ્કી લિફ્ટમાં કેવી રીતે તિરાડ પડી તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે પ્રવાસીઓ વિન્ટર પાર્ક રિસોર્ટમાં હિમવર્ષાનો આનંદ માણવા અને સ્કીઇંગ કરવા જઇ રહ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારમાં વાહનચાલકનું મોત…
ડેનવરથી લગભગ ૧૧૩ કિમી પશ્ચિમમાં સ્થિત વિન્ટર પાર્ક રિસોર્ટના પ્રવક્તા જેન મિલરે જણાવ્યું કે શનિવારે બપોર પછી રિસોર્ટની લિફ્ટ આપમેળે બંધ થઇ ગઇ હતી. લિફ્ટના એક ભાગમાં તિરાડ જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે લગભગ પાંચ કલાકની મહેનત બાદ લિફ્ટમાં બેઠેલા લોકોને દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
વિન્ટર પાર્ક રિસોર્ટના પ્રવક્તા જેન મિલરે જણાવ્યું કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. તેમણે જણાવ્યું કે રવિવારે લિફ્ટના જે ભાગમાં તિરાડ પડી તેને કામદારો બદલી રહ્યા છે. ટૂંક સમયમાં ફરી લિફ્ટ સેવા શરૂ કરવામાં આવશે.