મહારાષ્ટ્ર

નારાજ ભુજબળ ફડણવીસને મળ્યા, રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારમાં સમાવેશ ન થવાથી નારાજ એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ભુજબળે કહ્યું હતું કે, રાજ્યના પ્રવર્તમાન રાજકીય અને સામાજિક વાતાવરણ પર મુખ્ય પ્રધાન સાથે તેમની વિસ્તૃત ચર્ચા થઈ છે.

બીજી તરફ આ બેઠક અંગે ફડણવીસે પૂણેમાં કહ્યું હતું કે ભુજબળને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની યોજના છે. કેમ કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમના પક્ષને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે તે માટે કામ કરી રહ્યા છે. મુંબઈમાં ફડણવીસના ‘સાગર’ બંગલામાં લગભગ 30 મિનિટની આ મુલાકાત વખતે ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન તેમના ભત્રીજા સમીર ભુજબળ સાથે હતા.

આ પણ વાંચો: છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું

ફડણવીસે મને કહ્યું કે 20 નવેમ્બરના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના જંગી વિજયમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી)એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેઓ ઓબીસી સમુદાયના હિતને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખશે, એમ છગન ભુજબળે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ફડણવીસે ઓબીસી સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા માટે થોડો સમય માંગ્યો છે. ‘તેમણે (ફડણવીસ) કહ્યું હતું કે તેઓ 10 થી 12 દિવસમાં કોઈ નિર્ણય પર પહોંચી જશે,’ એમ એનસીપીના નેતાએ ઉમેર્યું હતું.

ઓબીસી નેતાઓ મનોજ જરાંગે-પાટીલની મરાઠા સમુદાય માટે ઓબીસી વર્ગ (કુણબી) શ્રેણીમાં અનામતની માગણીનો વિરોધ કરે છે. ભુજબળ પણ આ માગણીનો વિરોધ કરી રહ્યા છે. ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે કે કેમ તે પૂછવામાં આવતા છગન ભુજબળે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કૅબિનેટના વિસ્તરણમાં તેમની અવગણનાના મુદ્દા પર તેમણે પહેલા જ પોતાનો વિચાર વ્યક્ત કર્યા છે.

રવિવારે મહારાષ્ટ્રના વિવિધ ભાગોના ઓબીસી સંગઠનોના પ્રતિનિધિઓ તેમને શહેરમાં મળ્યા હતા. નાસિક જિલ્લાના યેવલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એનસીપીના નેતાએ શનિવારે નાગપુરમાં પૂર્ણ થયેલા રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજરી આપી ન હતી. મહાયુતિના 39 વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ પછી એટલે કે સત્રના પહેલા જ દિવસે તેઓ નાસિક જવા રવાના થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button