શુદ્ધ સોનાએ રૂ. 284ના સુધારા સાથે ફરી રૂ. 58,000ની સપાટી પાર કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ મહિનાના અંતે યોજાનાર અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં હળવું વલણ અપનાવવામાં આવે તેવા આશાવાદે આજે લંડન ખાતે સોના-ચાંદીમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 283થી 284ની આગેકૂચ જોવા મળી હતી અને શુદ્ધ સોનાના ભાવે ફરી રૂ. 58,000ની સપાટી પાર કરી હતી. તેમ જ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 205ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 283 વધીને રૂ. 57,911 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 284 વધીને રૂ. 58,144ના મથાળે રહ્યા હતા. જોકે, પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ એકંદરે નિરસ રહી હતી. વધુમાં .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 205ના સુધારા સાથે રૂ. 69,699ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 1881 ડૉલર અને 1894 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 22.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની ગત સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં અર્થતંત્રમાં અનિશ્ચિતતાની ચિંતા વ્યક્ત કરવાની સાથે સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો. વધુમાં હવે માત્ર 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવશે જે અપેક્ષિત જ હોવાથી તેની બજાર પર ખાસ અસર જોવા નહીં મળે, એમ સિંગાપોર સ્થિત ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ છે.