સ્પોર્ટસ

અશ્વિનના સ્થાને મુંબઈનો આ યુવાન ઑફ-સ્પિનર ટીમ ઇન્ડિયામાં સામેલ

મેલબર્નઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ માટેની ટીમમાં નિવૃત્ત ઑફ-સ્પિન ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનના સ્થાને મુંબઈના ઑફ-સ્પિન ઑલરાઉન્ડર તનુશ કોટિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પીટીઆઇના અહેવાલ મુજબ આવનારી બે મૅચમાં કે બેમાંથી એક મૅચમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા કે ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદર કોઈ કારણસર નહીં રમી શકે તો તેના સ્થાને 26 વર્ષના કોટિયનને રમવાનો મોકો મળી શકે. કોટિયન તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં ઇન્ડિયા એ' ટીમ વતી રમ્યો હતો. કોટિયન હાલમાં અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ વતી રમી રહ્યો છે. તે મંગળવારે મુંબઈથી રવાના થઈને 26મી ડિસેમ્બરની બૉક્સિંગ-ડે ટેસ્ટ પહેલાં મેલબર્ન પહોંચશે.

આ પણ વાંચો: અશ્વિન સાથે હું આખો દિવસ હતો, પણ નિવૃત્તિ વિશે મને અણસાર પણ ન આપ્યોઃ જાડેજા

સોમવારે હૈદરાબાદ સામેની મૅચમાં કોટિયને મુંબઈ વતી બે વિકેટ લીધી હતી અને અણનમ 39 રન બનાવ્યા હતા અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. કોટિયનને મેલબર્નનો સારો અનુભવ થઈ ચૂક્યો છે. ઇન્ડિયાએ’ વતી તેણે આઠમા ક્રમે બૅટિંગ કરીને 44 રન બનાવ્યા હતા.

કોટિયને 33 ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 101 વિકેટ લીધી છે અને 1,525 રન બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button