નવી મુંબઈ-થાણે ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશી પકડાયા…
મુંબઈ: નવી મુંબઈ અને થાણે પરિસરમાં પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડી ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ખાતું મળ્યા બાદ બધા પ્રધાનો પહોંચ્યા મંત્રાલય, પણ શિક્ષણ પ્રધાન તો અહીંયા પહોંચી ગયા…
ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની માહિતી મેળવી નવી મુંબઈ પોલીસે છેલ્લા બે દિવસમાં ખારઘર અને કોપરી ગાંવમાં કાર્યવાહી કરી હતી. બન્ને સ્થળેથી આઠ મહિલા સહિત 10 જણને તાબામાં લેવાયા હતા. પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસે ભારતમાં વસવાટ સંબંધી કોઈ દસ્તાવેજ મળી આવ્યા નહોતા. આ પ્રકરણે ખારઘર અને એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા.
દરમિયાન નવી મુંબઈની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ ખારઘરમાં મજૂરી કરનારા મોનીલ ખાન (44)ને પકડી પાડ્યો હતો. તેની પાસે પાસપોર્ટ હતો, પરંતુ વિઝા એક વર્ષ અગાઉ જ પૂરા થઈ ગયા હતા. વિઝા પત્યા છતાં નવી મુંબઈમાં રહેતા ખાનને સ્પેશિયલ બ્રાન્ચના આદેશને પગલે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો : જાના થા જાપાનઃ Vande Bharat Train રૂટ ભૂલી, રેલવેની ઊંઘ હરામ…
થાણે પોલીસે પણ રવિવારે કાલ્હેર અને ભિવંડીના કોનગાંવમાં કાર્યવાહી કરી હતી. 22થી 42 વર્ષના આઠ બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આઠેય જણ ભંગાર વેચનારા, મજૂર અને પ્લમ્બર તરીકે કામ કરતા હતા. તેમની પાસેથી ભારતમાં રહેઠાણના યોગ્ય દસ્તાવેજો ન મળતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.