13 વર્ષમાં મ્યુનિ.શાળાઓમાંથી લેપટોપ-પ્રોજેક્ટરઅને પાણીની મોટર ચોરાવાની 37 ઘટનાઓ!
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વર્ષ 2010થી 2023 સુધીમાં શહેરની મનપા સંચાલિત ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગનાં બાળકો માટેની શાળાઓમાંથી લેપટોપ-પ્રોજેક્ટર જેવાં સાધનો ચોરાઇ જવાની 37 ઘટનાઓ બનવા પામી હોવાની વિગતો બહાર આવી છે.
કૉંગ્રેસનાં અગ્રણી કાર્યકર અને વ્યવસાયે એડવોકેટ અતિક સૈયદે મનપા સંચાલિત સ્કૂલોમાં ચોરી અને સીસીટીવી કેમેરા અંગે માગેલી રસપ્રદ માહિતીનાં જવાબમાં સ્કૂલબોર્ડનાં સત્તાધીશોએ 2010થી 2023 સુધીનાં સમયગાળામાં જુદી જુદી શાળાઓમાં ચોરીની 37 ઘટના બની હોવાની અને તે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું સ્વીકાર્યુ હતું. સ્કૂલબોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મનપા શાળાઓમાં બાળકોને આધુનિક ટેકનોલોજીથી વાકેફ કરવા લાખોનાં ખર્ચે લેપટોપ, પ્રોજેક્ટર, કમ્પ્યુટર સહિતનાં સાધનો વસાવવામાં આવ્યાં છે તે પણ તસ્કરોએ છોડ્યા નથી.
એટલું જ નહિ બાળકોને પીવાનાં પાણી માટે મોટર-પંપનાં સેટ લગાવવામાં આવે છે તે પણ ચોરાઇ ગયાં છે. એકંદરે અત્યાર સુધીમાં 15.42 લાખની માલમતા ચોરાઇ ગઇ હોવાનો જવાબ જોઇ અતિક સૈયદે ખરેખર તો વધુ રકમની માલમતા ચોરાઇ હોવા છતાં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે સ્કૂલબોર્ડનાં સત્તાધીશોએ 4.18 લાખનાં માલસામાનની રિકવરી થઇ હોવાનો દાવો કર્યો હતો.
કૉંગી કાર્યકર અતિક સૈયદે જણાવ્યું હતું કે, મનપા શાળાઓમાં અગાઉ પગીની નિમણૂક કરવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે પગીપ્રથા બંધ કરીને ખાનગી સિક્યોરિટી એજન્સીઓને ખટાવવામાં આવી રહ્યા છે તેમ છતાં મનપા શાળાઓ સલામત નથી. મ્યુનિ. શાળાઓ અને બાળકોની સલામતી માટે સીસીટીવી કેમેરા લગાવવા બજેટમાં લાખો રૂપિયાની જોગવાઇ કરવામાં આવે છે તેમ છતાં હજુ પણ 90 જેટલી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવાયા નથી તેવું જણાવ્યું હતું.